આ વખતે દેશમાં ફેબ્રુઆરીથી જ હીટવેવની અસર દેખાવા લાગી હતી. જોકે વચ્ચે ફરીથી રાહત મળી. હવામાન વિભાગના એક નવા રિપોર્ટમાં જણાવાયું છે કે અમુક જ વર્ષોમાં હીટવેવનો સમય 12થી 18 દિવસ વધી જશે. તેની લોકોના જીવન પર ગંભીર અસર થવાની છે. તેને લઈને અત્યારથી રણનીતિ તૈયાર કરવાની જરૂર છે.
હવામાન વિભાગના રિપોર્ટ હીટ એન્ડ કોલ્ડ વેવ્સ ઈન ઈન્ડિયા પ્રોસેસિઝ એન્ડ પ્રિડેક્ટેબિલિટીમાં કહેવાયું છે કે નવી બનતી ઈમારતોમાં વેન્ટિલેશન અને ઈન્સ્યુલેશનની સારી સુવિધા, હીટ સ્ટ્રેસ વિશે જાગૃકતા, વર્ક શિડ્યુલમાં ફેરફાર, કુલ શેલ્ટર બનાવવા અને જલદી ચેતવણી જાહેર કરવી આ બધા એ ઘટકો છે જેના પર ભાર આપવાની જરૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે દર વર્ષે ગરમી વધી રહી છે. હીટવેવનો પ્રકોપ પણ વધી રહ્યો છે. એવામાં અત્યારથી તમામ વસ્તુઓ પર વિચારવાની જરૂર છે.
હવામાન વિભાગે કહ્યું કે 2060 સુધીમાં હીટવેવમાં 12થી 18 દિવસ વધી જશે. એટલા માટે 1961થી 2020 સુધીના આંકડાનો ઉપયોગ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં બીજી કોઇપણ કુદરતી આપત્તિથી વધુ હીટવેવ લોકોના જીવ લઈ શકે છે. આ મામલે ટ્રોપિકલ સાઈક્લોન અપવાદ છે.
હીટવેવ ત્યારે જાહેર કરાય છે જ્યારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ થઈ જાય અને તે સામાન્યથી 4.5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોય. જ્યારે તાપમાન 40 ડિગ્રીથી વધુ અને સામાન્યથી 6.5 ડિગ્રી વધુ હોય તો અતિ ગંભીર શ્રેણીની હીટવેવ ગણાવાય છે. માર્ચથી જૂન વચ્ચે મધ્ય, ઉત્તર-પશ્ચિમ ભારત અને આંધ્રપ્રદેશ, ઓડિશાના તટ પર હીટવેવ પડે છે. ઉત્તર ભારતમાં હીટવેવ થોડીક ઓછી રહે છે.