વર્લ્ડ કપ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, જેને લઈ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટના મહાકુંભમાં અનેક ખેલાડીઓએ પોતાની દમદાર ઈનિંગથી મોટા રેકોર્ડ બનાવ્યા છે અને ટીમને જીત અપાવી છે. જેમાં બેટ્સમેનોએ જોરદાર ઈનિંગ રમી રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું છે. વર્લ્ડ કપમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓના લિસ્ટમાં ભારતના પૂર્વ કેપ્ટન પણ સામેલ છે. વર્લ્ડ કપમાં સૌથી મોટો સ્કોર કરનાર ખેલાડીએ ડબલ સેન્ચુરી ફટકારી છે.
વર્લ્ડ કપની એક ઈનિંગમાં સૌથી મોટો સ્કોર કનાર ખેલાડી ન્યુઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ છે. ગપ્ટિલે વર્લ્ડ કપ 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 223 બોલમાં 237 રન બનાવ્યા હતા. ગપ્ટિલ વર્લ્ડ કપમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલ આ લિસ્ટમાં નો હોય એ શક્ય જ નથી. ગેલે વર્લ્ડ કપ 2015માં ઝિમ્બાબ્વે સામે 147 બોલમાં 215 રન બનાવ્યા હતા. જેમાં તેણે 10 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. તે વર્લ્ડ કપમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી હતો.
દક્ષિણ આફ્રિકાના ગેરી કર્સ્ટને 1996 વર્લ્ડ કપમાં UAE સામે 159 બોલમાં 188 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ લાંબા સમય સુધી ટોપ પર જ રહ્યો હતો. ગેરી કર્સ્ટને આ મેચમાં 50 ઓવર બેટિંગ કરી હતી.
ભારતના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી આ લિસ્ટમાં ચોથા કર્મે છે. સૌરવ ગાંગુલીએ 1999 વર્લ્ડ કપમાં શ્રીલંકા વિરુદ્ધ 158 બોલમાં 183 રન બનાવ્યા હતા. આ ભારતીય બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.
વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન સર વિવ રિચર્ડ્સ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવા મામલે પાંચમા ક્રમે છે. તેમણે 1987માં શ્રીલંકા સામે 125 બોલમાં 181 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.