છત્તીસગઢના દંતેવાડામાં આજે એક મોટો નક્સલી હુમલો થયો છે. જેમાં 11 જવાનો શહીદ થઈ ગયા છે. દંતેવાડાના અરનપુરમાં DRG દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવર સામેલ છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સાથે વાતચીત કરી હતી અને તેમને શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
આ હુમલા બાદ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે ટ્વીટ કરીને નક્સલવાદને ખતમ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે DRG ફોર્સ પર IED બ્લાસ્ટને કારણે આપણા જવાનોના શહીદ થવાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. અમે તમામ રાજ્યના લોકો તેમને આદર આપીએ છીએ. નક્સલવાદીઓને કોઈપણ કિંમતે બક્ષવામાં નહીં આવશે. અમે યોજનાબદ્ધ રીતે નક્સલવાદને ખતમ કરીશું. આ અગાઉ પણ અનેક વખત નક્સલવાદીઓએ હુમલા કર્યા છે.
જાણો દેશમાં ક્યારે-ક્યારે મોટા નક્સલી હુમલા થયા
6 એપ્રિલ 2010
છત્તીસગઢના દંતેવાડામાં થયેલા નક્સલી હુમલામાં 76 જવાનો શહીદ થયા હતા.
25 મે 2013
ઝીરમ ઘાટીમાં કોંગ્રસ પરિવર્તન યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોંગ્રેસના શીર્ષ નેતાઓ સહિત 30થી વધુ લોકો માર્યા ગયા હતા.
11 માર્ચ 2014
સુકમા જિલ્લાના ટાહકવાડામાં નક્સલી હુમલો થયો હતો. આ હુમલામાં 15 જવાનો શહીદ થયા હતા.
12 માર્ચ 2014
છત્તીસગઢના બિસ્તર જિલ્લાના દરભામાં થયેલા નક્સલી હુમલામાં 5 જવાનો સહિત 14 લોકોના મોત થઈ ગયા હતા.
11 માર્ચ 2017
સુકમાના દુર્ગમ ભેજજી વિસ્તારમાં નક્સલી હુમલામાં 12 CRPF જવાન શહીદ થયા હતા.
24 એપ્રિલ 2017
સુકમામાં નક્સલવાદીઓના હુમલામાં CRPFના 25 જવાનો શહીદ થયા હતા.
21 માર્ચ 2020
સુકમા જિલ્લાના મિનપામાં નક્સલી હુમલામાં 17 જવાનો શહીદ થયા હતા.
23 માર્ચ 2021
છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં જવાનોથી ભરેલી બસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 5 જવાનો શહીદ થયા હતા.
4 એપ્રિલ 2021
છત્તીસગઢના બીજાપુર અને સુકમા જિલ્લાના બોર્ડર પર થયેલા નક્સલી હુમલામાં 22 જવાનો શહીદ થયા હતા.