દેશની બેન્કોના બિઝનેસ મોડેલ્સ પર રિઝર્વ બેન્ક બારીકાઈથી નજર રાખી રહી છે, એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. તાણને ખમી શકવા ભારતીય બેન્કો સક્ષમ છે, એમ તાજેતરની સ્ટ્રેસ ટેસ્ટસ પરથી જણાયું હતું.
તાણની ગંભીર સ્થિતિમાં પણ બેન્કો કેપિટલ એડિકવસી લઘુત્તમ જરૂરિયાત કરતા પણ ઊંચી જાળવી શકે એમ છે એમ તેમણે નાણાંકીય સ્થિતિસ્થાપકતા પરની એક વૈશ્વિક પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
બેન્કો પર દેખરેખ રાખવા રિઝર્વ બેન્કે વિવિધ યંત્રણાઓ કાર્યરત કરી છે અને નાણાં વ્યવસ્થામાં જોખમના સ્તરનું આંકલન કરવા પગલાં લાગુ કર્યા છે.
અમેરિકા તથા યુરોપમાં તાજેતરની બેન્કિંગ કટોકટીનો ઉલ્લેખ કરતા દાસે જણાવ્યું હતું કે, બેન્કો તથા અન્ય નાણાં સંસ્થાઓ સંગઠીત રીતે સ્થિતિસ્થાપક હોવી જરૂરી છે. પ્રતિકૂળ ઘટનાક્રમો સામેથી સુરક્ષિત રહેવા સંસ્થાઓ સક્ષમ હોવી જોઈએ.
બેન્કો તથા નાણાં સંસ્થાઓ તેમની સામે રહેલા નાણાંકીય જોખમોની સતત આકારણી કરતી રહે તેવી રિઝર્વ બેન્ક અપેક્ષા રાખે છે એમ પણ દાસે ઉમેર્યું હતું. તાજેતરના વૈશ્વિક પ્રતિકૂળ ઘટનાક્રમો સામેથી ભારતની બેન્કો સલામત રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.