સૈન્યમાં ટેક્નિકલ ભરતી યોજના(TES)ના માધ્યમથી અધિકારી બનવા માગતા ઈચ્છુક યુવાનો માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે તે 5 નહીં ફક્ત 4 વર્ષમાં કમીશન મેળવીને અધિકારી બની શકશે. તાજેતરમાં સંપન્ન થયેલા સૈન્ય કમાન્ડર સંમેલનમાં આ અંગે નિર્ણય લેવાયો હતો.
આ નિર્ણયને જાન્યુઆરી 2024થી લાગુ કરાશે. સૈન્યના સૂત્રોએ જણાવ્યું કે TESમાં પસંદગી પામેલા ઉમેદવારોએ હાલમાં 5 વર્ષ ટ્રેનિંગ કરવાની હોય છે જેના પછી તે અધિકારી બની શકે છે. સૌથી પહેલા તેમને ગયામાં આવેલી ઓફિસર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં એક વર્ષ માટે પાયાની સૈન્ય ટ્રેનિંગ અપાય છે. તેના પછી તેમને જુદી જુદી સૈન્ય કોલેજો જેમ કે કોલેજ ઓફ મિલિટ્રી એન્જિનિયરિંગ (CME)પૂણે, મિલિટ્રી કોલેજ ઓફ ટેલીકમ્યુનિકેશન એન્જિનિયરિંગ (MCTC) મધ્યપ્રદેશ તથા મિલિટ્રી કોલેજ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ (MCEME) સિકંદરાબાદમાં 3 વર્ષની એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવાય છે. તેને પૂર્ણ કર્યા બાદ તેમને ઈન્ડિયન મિલિટ્રી એકેડમી(IMA)માં એક વર્ષની સૈન્ય ટ્રેનિંગ મેળવવાની હોય છે. આ રીતે 5 વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેમને લેફ્ટનન્ટ તરીકે નિમણૂક મળે છે.
કમાન્ડર સંમેલનમાં લેવાયેલા નિર્ણય બાદ ગયામાં આવેલી ઓફિસર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટમાં થતી 1 વર્ષની ટ્રેનિંગ ખતમ કરીદેવાઈ છે. TESમાં પસંદગી પામેલા ઉમેદવારોએ ડાઈરેક્ટ ઉપરોક્ત મિલિટ્રી કોલેજોમાં એન્જિનિયરિંગ કરવાની રહેશેઅ ને પછી એક વર્ષ IMAમાં પસાર કરવો પડશે. આ રીતે 4 વર્ષની ટ્રેનિંગ બાદ તેમને લેફ્ટનન્ટ તરીકે પ્રથમ પોસ્ટ મળશે. સૈન્યએ કહ્યું કે આ નિર્ણયથી સૈન્યમાં અધિકારીઓની અછતને પૂરી કરવામાં મદદ મળશે કેમ કે ટ્રેનિંગમાં એક વર્ષનો ઓછો સમય લાગશે. બીજી બાજુ એનડીએ અને TES યોજના હેઠળ પસંદગી પામેલા ઉમેદવારો વચ્ચે અસમાનતા પણ ખતમ થશે. એનડીએમાં પસંદગી પામેલા ઉમેદવારો ચાર વર્ષમાં સૈન્યમાં કમીશન મેળવે છે જોકે TESમાં 5 વર્ષ લાગી રહ્યા હતા. જોકે સૈન્યમાં ભરતીની બંને યોજનાઓ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12 પાસ જ હતી. એનડીએમાં જ્યાં અલગથી પાસ કરવી પડતી હતી ત્યાં TESમાં જેઈઈની રેન્કિંગના આધારે એડમિશન મળે છે.