બદ્રીનાથ ધામના કપાટ ગઈકાલે સવારે 7.10 વાગ્યે હિમવર્ષા અને ફૂલોના વરસાદ વચ્ચે ખોલવામાં આવ્યા હતા. ચારેબાજુ વૈદિક મંત્રોચ્ચાર અને જય બદ્રીનાથના નારા ગૂંજી રહ્યા હતા. ભગવાન બદ્રીનાથના કપાટ ખુલ્યા બાદ ધામમાં એક ‘ચમત્કાર’ જોવા મળ્યો હતો, જેને તીર્થધામના પૂજારીઓ દેશ માટે શુભ સંકેત માની રહ્યા છે. જ્યારે કપાટ ખોલવામાં આવ્યા ત્યારે ભગવાન બદ્રીનાથને ઢાંકવામાં આવેલા ઘીના ધાબળા પર તાજું ઘી જોવા મળ્યું હતું. ગઢવાલ ક્ષેત્રમાં સ્થિત ચાર ધામના કપાટ દર વર્ષે શિયાળામાં બંધ કરી દેવામાં આવે છે અને આગામી વર્ષે એપ્રિલ-મેમાં ફરી ખોલવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિયાળામાં દેવતાઓ ભગવાનની પૂજા કરે છે.
બદ્રીનાથના ધર્માધિકારીએ જણાવ્યું હતું કે ધાબળા પર તાજું ઘી મળવાનું અર્થ છે કે દેશમાં સમૃદ્ધિ આવશે. ગયા વર્ષે પણ ધાબળા પર લગાડેલું ઘી તાજું હતું. આટલી બધી હિમવર્ષા પછી પણ બહાર ઠંડી હોવા છતાં જો ઘી સુકાઈ ન જાય તો તે કોઈ ચમત્કારથી ઓછું નથી.
ધાર્મિક પરંપરાઓ અનુસાર જ્યારે દ્વારા બંધ કરવામાં આવે છે ત્યારે ભગવાન બદ્રીનાથને ઘીમાં લપેટી ધાબળો ઓઢાડવામાં આવે છે. આ ખાસ ધાબળો માણા ગામની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. છોકરીઓ અને નવવધૂઓ એક દિવસમાં આ ધાબળો તૈયાર કરે છે. જે દિવસે આ ઘીનો ધાબળો તૈયાર કરવામાં આવે છે તે દિવસે છોકરીઓ અને મહિલાઓ ઉપવાસ કરે છે.
શિયાળા પછી જ્યારે કપાટ ખોલવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ ઘીમાં લપેટેલો આ ધાબળો હટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો ધાબળાનું ઘી સુકાયું ન હોય તો તે વર્ષે દેશમાં સમૃદ્ધિ આવશે અને જો ધાબળાનું ઘી સુકાઈ જાય કે ઓછું થઈ જાય તો તે વર્ષે દેશમાં દુષ્કાળ કે અતિવૃષ્ટિની શક્યતા હોય છે.