બ્રિટનના રાજવી પરિવાર પર દુનિયાની હંમેશા નજર રહેતી હોય છે ત્યારે 6 મેના રોજ યોજનારા આ સમારોહ માટે દુનિયાભરના દેશોના નેતાઓ તથા વિવિધ સેલિબ્ર્ટી સહિત 2000 લોકોને આમંત્રણ અપાયુ છે. બ્રિટનમાં મોંઘવારીથી લોકો ભારે પરેશાન છે અને વિના મુલ્યે ભોજન વિતરણ કરતા કેન્દ્રો પર નિર્ભર રહેનારાની સંખ્યા વધી રહી છે ત્યારે આ રાજયાભિષેક સમારોહ પાછળ 100 મિલિયન પાઉન્ડ એટલે કે 1000 કરોડ રુપિયા જેટલો ખર્ચ થશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે અને આ આંકડો જાણીને બ્રિટનમાં પણ ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કારણકે તેમને લાગી રહ્યુ છે કે, આ ખર્ચ છેવટે તો કરદાતાઓએ જ ભોગવવો પડશે.
આ પહેલા 1953મા ક્વીન એલિઝાબેથ બીજાની તાજપોશી થઈ ત્યારે દોઢ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા. જે આજના હિસાબે 50 મિલિયન પાઉન્ડ બરાબર છે.
પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેકના આયોજનની જવાબદારી સંભાળી રહેલી કમિટિને જોકે આમ આદમીની પરેશાનીની જાણકારી છે અને તેમનુ કહેવુ છે કે, સમારોહને શક્ય હોય તેટલો નાનો રાખવામાં આવશે પણ સિક્યુરિટી પરનો ખર્ચ અનિવાર્ય છે.સમારોહમાં 2000 લોકો સામેલ થવાના છે.જેમની સુરક્ષા એક મોટો મુદ્દો છે.
એક તર્ક એવો પણ થઈ રહ્યો છે કે, સમારોહનુ જિવંત પ્રસારણ થવાનુ છે અને તેના રાઈટસ બ્રિટિશ સરકાર પાસે હોવાથી તેમાંથી પણ આવક થશે.બ્રિટનમાં ટુરિઝમ વધશે .કારણકે બીજા દેશોના ઘણા લોકો ઉત્સુકતાવશ સમારોહ જોવા માટે આવી શકે છે.આમંત્રિતો અને ટુરિસ્ટોના કારણે હોટલો બૂક થશે.આમ રાજ્યાભિષેકના કારણે થનારી આવક ખર્ચ કરતા વધારે હશે.
બ્રિટનના રાજવીની તાજપોશીને દુનિયાના સૌથી અનોખા અને ભવ્ય સમારોહ તરીકે ગણવામાં આવે છે. જેમાં હજારો વર્ષથી ચાલી આવતી પરંપરાઓમાં કોઈ બદલાવ થયો નથી. જે રીતી રિવાજો છે તે પ્રમાણે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ઘોડાથી ખેંચવામાં આવતા રથમાં 40 મિનિટની મુસાફરી કરશે. રાજમહેલ પહોંચ્યા બાદ કિંગ ચાર્લ્સને 700 વર્ષ જૂની ખુરશી પર બેસાડાશે. તેમના પર પવિત્ર જળનો અભિષેક કર્યા બાદ મુગટ પહેરાવવામાં આવશે.