ગ્રીટ વિલ્ડર્સ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે અને તેમને પણ જાનનુ જોખમ હોવાના કારણે સુરક્ષા આપવામાં આવી છે. દરમિયાન ગ્રીટ વિલ્ડર્સની હત્યા માટે પાકિસ્તાનના એક ક્રિકેટરે ઉશ્કેરણી કરી હોવાની સનસનાટીભરી વિગતો જાહેર થઈ છે.
નેધરલેન્ડ સરકારે જાહેર કર્યુ છે કે, પાકિસ્તાનના એક ચર્ચિત ક્રિકેટર સામે તે કોર્ટમાં કેસ ચલાવશે અને ગ્રીટ વિલ્ડર્સનો દાવો છે કે, આ પાકિસ્તાની ક્રિકેટર ખાલિદ લતીફ છે. નેધરલેન્ડના પબ્લિક પ્રોસિક્યુટર સર્વિસ વિભાગના કહેવા અનુસાર 37 વર્ષના વ્યક્તિએ ગ્રીટની હત્યા માટે 2018માં 21000 યુરોની ઓફર આપી હતી.
પબ્લિક પ્રોસિક્યુટર સર્વિસે પોતાના આરોપના સમર્થનમાં એક વિડિયોનો હવાલો આપ્યો હતો.જોકે કોઈના નામનો ઉલ્લેખ નહોતો કર્યો પણ નેધરલેન્ડ પોલીસે તસવીરોના આધારે ખાલિદ લતીફની ઓળખ કરી લીધી હતી.
ગ્રીટ વિલ્ડર્સ ઈસ્લામ સામે અગાઉ વિવાદિત નિવેદનો આપીને ચર્ચામાં આવેલા છે. ગ્રીટનુ કહેવુ છે કે, મારી હત્યા માટે ઉશ્કેરણી કરનાર પાકિસ્તાનનો પૂર્વ ઓપનિંગ બેટસમેન લતીફ છે. તેની સામે કોર્ટમાં કેસ ચાલશે અને પબ્લિક પ્રોસિક્યુટર સર્વિસ દ્વારા લતીફને સમન્સ પણ મોકલવામાં આવશે. તેણે મને મારવા માટે ઈનમ જાહેર કર્યુ હતુ.લતીફના પ્રત્યાર્પણ માટે પણ અરજી કરવામાં આવશે.
જોકે પબ્લિક પ્રોસિક્યુટર સર્વિસ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, અમે આ મામલામાં નામ આપી રહ્યા નથી.જ્યારે ક્રિકેટર લતીફે ગ્રીટના આક્ષેપોને ફગાવીને કહ્યુ છે કે, મને કેસ ચલાવવા અંગે કોઈ જાણકારી નથી. હું કોઈ ટિપ્પણી ત્યારે જ કરીશ જ્યારે મને સત્તાવાર રીતે કોર્ટની કોઈ જાણકારી આપવામાં આવે.