ભારતીય શેર બજારોમાં ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો(એફપીઆઈઝ) મોટાપાયે શેરોમાં ખરીદદાર બનતાં અનેક શેરો ઘટાડો પચાવી ઝડપી ઉંચકાઈ આવ્યા છે. આ સાથે શેરોમાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ મહિના એપ્રિલમાં રૂ.૧૩.૬૩ લાખ કરોડનો વધારો થયો છે.
શેરોમાં રોકાણકારોની સંપતિ જે ૩૧,માર્ચ ૨૦૨૩ના અંતે રૂ.૨૫૮.૧૯ લાખ કરોડની હતી, એ એક મહિનામાં રૂ.૧૩.૬૩ લાખ કરોડ વધીને આજે એપ્રિલ ૨૦૨૩ મહિનાના અંતે રૂ.૨૭૧.૮૨ લાખ કરોડ પહોંચી છે. આ એક મહિનામાં સેન્સેક્સ ૩.૫૯ ટકા એટલે કે ૫૮૯૯૧.૫૨ની સપાટીથી વધીને ૬૧૧૧૨.૪૪ પહોંચ્યો છે. સેક્ટર મુજબ સૌથી વધુ રિયાલ્ટી શેરોમાં આકર્ષણ જોવાયું છે,
બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૪.૭૮ ટકા વધીને ૩૫૬૦ પહોંચ્યો છે. રિયાલ્ટી શેરોમાં ડીએલએફ એક મહિનામાં રૂ.૩૫૭ થી વધીને રૂ.૪૨૫ પહોંચ્યો છે. જ્યારે ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૧૦૩૦ થી વધીને રૂ.૧૩૧૫, ઈન્ડિયાબુલ્સ રિયાલ્ટી રૂ.૪૮ થી વધીને રૂ.૭૩ પહોચ્યા છે. આ સાથે ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ લેવાલીનું આકર્ષણ રહેતાં ઓટો ઈન્ડેક્સ૭.૩૫ ટકા વધીને ૩૦૩૨૫.૫૧ રહ્યો છે.
ઓટો શેરોમાં મારૂતી સુૅઝુકી એક મહિનામાં રૂ.૮૨૯૨ થી વધીને રૂ.૮૫૯૦, ટાટા મોટર્સ રૂ.૪૨૦ થી વધીને રૂ.૪૮૫, બજાજ ઓટો રૂ.૩૮૮૦ થી વધીને રૂ.૪૪૩૦, ટીવીએસ મોટર રૂ.૧૦૭૫ થી વધીને રૂ.૧૧૪૦ પહોંચ્યા છે. જ્યારે બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ બનતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬.૪૦ ટકા વધીને ૪૮૯૮૨.૮૩ રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫૨૩ થી વદીને રૂ.૫૮૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮૭૭ થી વધીને રૂ.૯૨૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭૩૦ થી વધીને રૂ.૧૯૪૦ પહોંચ્યા છે.
કેપિટલ ગુડઝ શેરોમાં છેલ્લા એક મહિનામાં તેજીએ વેગ પકડતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬.૮૯ ટકા વધીને ૩૬૭૩૮.૮૮ રહ્યો છે. લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૨૧૬૫ થી વધીને રૂ.૨૩૬૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૭૩૦ થી વધીને રૂ.૨૯૨૫, સિમેન્સ રૂ.૩૩૨૫ થી વધીને રૂ.૩૪૫૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૯૯૭૦ થી વધીને રૂ.૧૦,૮૦૦ પહોંચ્યા છે.
આ સિવાય ફાઈનાન્શિયલ સર્વિસિઝ કંપનીઓના શેરોમાં તેજી વ્યાપક બનતાં બીએસઈ ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ એક મહિનામાં ૬.૪૯ ટકા વધ્યો છે. જ્યારે અમેરિકા અને યુરોપમાં બેંકિંગ ક્રાઈસીસના સમયગાળામાં આઈટી કંપનીઓ માટે તકો ઘટવાના અને નબળી કામગીરીના અંદાજોએ આઈટી શેરોમાં એક મહિના દરમિયાન વેચવાલી રહેતાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્ડેક્સ ૩.૪૩ ટકા ઘટીને ૨૭૫૦૩.૪૯ રહ્યો છે. સ્મોલ, મિડ કેપ શેરોમાં છેલ્લા એક પખવાડિયામાં ખરીદી વધતાં એક મહિનામાં બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૭.૨૭ ટકા વધીને ૨૮૯૧૭.૦૭ અને મિડ કેપ ઈન્ડેક્સ ૫.૯૨ ટકા વધીને ૨૫૪૯૨.૪૩ રહ્યો છે.