IPL 2023નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને પોઈન્ટ ટેબલમાં આગળ વધવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા ચાલુ છે. ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સિવાય તમામ ટીમોએ 8-8 મેચ રમી છે. હાલમાં પોઈન્ટ ટેબલ પર ચાર ટીમો પાસે 10-10 પોઈન્ટ છે, જ્યારે બે ટીમો 8-8 પર છે, બે ટીમો 6 અને અન્ય બે ટીમો 4-4 પોઈન્ટ પર છે. આવી સ્થિતિમાં કઈ 4 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થશે તે નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ આ સવાલ પર પૂર્વ ભારતીય સ્પિનર અનિલ કુંબલેએ મોટી ભવિષ્યવાણી કરી છે. કુંબલેએ તે ચાર ટીમો વિશે જણાવ્યું છે જે IPL 2023ના પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અનિલ કુંબલેનું કહેવું છે કે પોઈન્ટ ટેબલમાં હાલની ટોપ-4 ટીમો જ પ્લેઓફમાં એકબીજા સામે રમતી જોવા મળશે.
અનિલ કુંબલેએ મીડિયા સાથેની વાતચીતમાં પૂછવામાં આવેલા પ્રશ્નની જવાબ આપતા કહ્યું, ‘પ્લેઓફમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 16 પોઈન્ટની જરૂર પડશે. જો 16 પોઈન્ટ્સ ન મળે તો 14 પોઈન્ટ્સ સાથે ક્વોલિફાય થવું ખૂબ મુશ્કેલ હશે. જો કોઇપણ ટીમ 14 પોઈન્ટ્સમાં ક્વોલિફાય કરવા માંગતી હોય તો નેટ રન રેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વખતે 16 પોઈન્ટમાં પણ મામલો નેટ રન રેટ પર અટકી શકે છે. આ વખતે એવું લાગતું નથી કે 16 પોઈન્ટ સાથે પણ ટીમો એ સુનિશ્ચિત કરી શકશે કે તેઓ ક્વોલિફાઈ કરી શકશે કે નહીં.
કુંબલેએ વધુમાં કહ્યું, ‘મારા મતે જે ટીમ ટોપ-4માં હશે તે પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. બાકીની ટીમો માટે ત્યાં પહોંચવું થોડું મુશ્કેલ હશે. આ ચારેય ટીમો અત્યારે ફોર્મમાં છે અને તેમની પાસે ક્ષમતા પણ છે. તેઓએ હોમ ગ્રાઉન્ડની સાથે સાથે બહાર રમયેલી મેચો પણ જીતે છે. એવું નથી કે તે ઘરેલું મેચો જીતીને જ અહીં પહોંચ્યા છે. તેથી મને લાગે છે કે જે ટીમો હાલમાં ટોપ-4માં છે, તે જ ટીમો ક્વોલિફાય કરશે.
IPL 2023ની 38મી મેચ બાદ રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે, જ્યારે તેના સિવાય લખનઉ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ટીમો ટોપ-4માં છે.