અનેક દિવસની શાંતિ બાદ શુક્રવારે સવારે સુદાનની રાજધાની ખાર્તુમ અને તેના પાડોશી શહેર ઓમડર્મન વિસ્ફોટ અને ગોળીબારના અવાજથી ધણધણી ઊઠ્યાં હતાં. બે ટોચના જર્નલ વચ્ચે વર્ચસ્વની આ લડાઈમાં આફ્રિકી દેશ બે અઠવાડિયાથી ગંભીર ગૃહ યુદ્ધની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. જ્યારે એક ચોંકાવનારા અહેવાલ એ છે કે શુક્રવારે તૂર્કીયેનું એક વિમાન ગોળીબારની લપેટમાં આવી ગયું હતું. આ વિમાન સુદાનમાં ફસાયેલા તૂર્કીયેના નાગરિકોને લેવા ખાર્તુમ પહોંચ્યું હતું. જોકે ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.
આ ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે સેંકડો લોકો માર્યા ગયા છે. હજુ પણ હજારોની સંખ્યામાં ત્યાં વિદેશી નાગરિકો ફસાયેલા છે જેમાં ભારતીયો પણ સામેલ છે. જોકે તેમને બચાવવા માટે ઓપરેશન કાવેરી ચલાવાઈ રહ્યું છે. બીજી બાજુ ખાર્તુમમાં સૈન્ય હેડક્વાર્ટર, રિપબ્લિકન પેલેસ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની નજીક ઠેર ઠેર લડાઈના દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
માહિતી અનુસાર આખું સરકારી તંત્ર ધ્વસ્ત થઈ ગયું છે અને લોકોની સાંભળનાર પણ ત્યાં કોઈ રહ્યું નથી. ડૉક્ટરો અને નર્સના બંને પક્ષ દ્વારા અપહરણ કરાઈ રહ્યા છે જેનાથી તે લડાઈમાં ઘાયલો અને તેમના સાથીઓની સારવાર કરી શકે. ખાર્તુમમાં કાર્યર અમેરિકી મહિલા ડૉક્ટરે આ વાતની પુષ્ટી કરી હતી. એવામાં અમુક આફ્રિકી દેશ, અરબ દેશો, સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા મળીને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે.