એક તરફ ભારત ચીનના માલસામાનની આયાત ઘટાડવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે કેટલાક સાધનો હજુપણ એવા છે જેની માટે ભારતે ચીન પર આધાર રાખવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ગયા નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં ૩૦ જેટલા તબીબી સાધનોની ચીન ખાતેથી આયાતમાં ૨૫થી ૧૫૨ટકાનો વધારો થયો છે, એમ ધ એસોસિએશન ઓફ ઈન્ડિયન મેડિકલ ડીવાઈસ ઈન્ડસ્ટ્રી દ્વારા જણાવાયું છે.
જો કે તબીબી સાધનોની એકંદર નિકાસમાં ૧૭ ટકા વૃદ્ધિ જોવા મળી છે જ્યારે આયાત ૮ ટકા ઘટી છે.
નાણાં વર્ષ ૨૦૨૨માં ચીન ખાતેથી તબીબી સાધનોની આયાત ૪૮ ટકા વધી રૂપિયા ૧૨૯૭૯ કરોડ રહી હતી. ભારત ચીન ખાતેથી મુખ્યત્વે કન્ઝયૂમેબલ્સ, ટેસ્ટિંગ કિટસ વગેરે જેવા સાધનોની આયાત કરે છે.
ગયા નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં તબીબી સાધનોનો એકંદર નિકાસ આંક ૨૦૫૧૧ કરોડ રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૨૨ના આગાળામાં રૂપિયા ૧૭૫૫૭ કરોડ રહ્યો હતો.
તબીબી સાધનોના દેશમાં ઉત્પાદન વધારવા સરકારે નેશનલ મેડિકલ ડીવાઈસ પોલિસી ૨૦૨૩ની બુધવારે જાહેરાત કરી હતી. વિશ્વમાં તબીબી સાધનોના પાંચ ટોચના પૂરવઠેદારોમાં ભારતનો સમાવેશ કરવા માટે આ પોલિસી મહત્વની છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.