મદદ માટે આઈએમએફ સહિત દુનિયાના સંખ્યાબંધ દેશોનો સંપર્ક કરી ચુકેલા પાકિસ્તાને હવે પોતાના જુના મદદગાર અમેરિકા સમક્ષ પણ ઝોળી ફેલાવી છે. અમેરિકા સ્થિત પાકિસ્તાની રાજદૂત મસૂદ ખાને ગુરુવારે વોશિંગ્ટનમાં એક સેમિનારમાં કહ્યુ હતુ કે, અમેરિકા પાકિસ્તાનની સેનાને નાણાકીય સહાય કરે તેમજ શસ્ત્રો વેચવાનુ ફરી શરુ કરે તે જરુરી છે.
ઉલ્લેખનીય છે કે, તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર સૈન્ય સહાયનો પ્રતિબંધ મુકી દીધો હતો. પાકિસ્તાન પાસે સંખ્યાબંધ હથિયારો અમેરિકન બનાવટ છે અને પ્રતિબંધોના કારણે આ હથિયારોના મેન્ટેનન્સમાં પાક સેનાને મુશ્કેલી પડી રહી છે. ઉપરથી પૈસાની તંગીએ સેનાની સમસ્યાઓને વધારી છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેના પાછી ખેંચાયા બાદ અને પાકિસ્તાનની અમેરિકાના દુશ્મન ચીન સાથેની નિકટતાએ અમેરિકા અને પાકના સબંધોમાં વધારે ખટાશ ઉમેરી છે. વોશિંગ્ટનમાં યોજાયેલા સેમિનારમાં હાજર અમેરિકન સરકારના અધિકારી એલિઝાબેથ હોર્સ્ટે કહ્યુ હતુ કે, પાકિસ્તાને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે મળીને કામ કરવુ જોઈએ. જે સુધારા કરવા પર પાકિસ્તાન અ્ને આઈએમએફ વચ્ચે સંમતિ સધાઈ છે તેના પર અમલ કરવો આસાન નથી પણ પાકિસ્તાન માટે મજબૂત આર્થિક સ્થિતિ જરુરી છે. પાકિસ્તાને વધારે દેવુ કરવાથી બચીને દેશની ઈકોનોમીને આગળ વધારવાની જરુર છે.