આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાના પાયલોટસના ડેર ડેવિલ કારનામાની વિગતો સપાટી પર આવી છે. મળતી વિગતો પ્રમાણે 27 અને 28 એપ્રિલની વચ્ચે મધરાતે ભારતીય વાયુસેનાનુ સી-130 હરક્યુલિસ પ્રકારનુ માલવાહક વિમાન સુડાનથી 130 કિલોમીટર દુર આવેલી વાડી સૈયિદના નામની જગ્યાની એક સાવ નાનકડી લેન્ડિંગ સ્ટ્રીપ પર ઉતર્યુ હતુ.
વાયુસેનાના ભારે ભરખમ વિમાનને અહીંયા લેન્ડ કરાવવુ પણ એક પડકાર હતો. કારણકે વિમાનને ગાઈડ કરનાર એરપોર્ટ લાઈટ્સ અહીંયા નહોતો. પાયલોટસ આકાશમાંથી જોઈ શકે તેવી રન વેની બંને તરફથી લાઈટસનો પણ અભાવ હતો.
આમ છતા વાયુસેનાના પાયલોટસે નાઈટ વિઝન ગોગલ્સ પહેરીને વિમાનને અંધારામાં સટીક રીતે હવાઈ પટ્ટી પર લેન્ડ કરાવ્યુ હતુ.
પાયલોટસે વિમાનના ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ઈન્ફ્રા રેડ સેન્સરનો ઉપયોગ કરીને અંધારામાં રનવે પર કોઈ અવરોધ તો નથીને તેની જાણકારી મેળવી હતી.
વિમાન લેન્ડ કરવામાં આવ્યા બાદ પણ તેના એન્જિન ચાલુ રાખવામાં આવ્યા હતા. વિમાનમાં સવાર વાયુસેનાના આઠ ગરુડ કમાન્ડોએ તરત જ વિમાનમાંથી ભારતીય મુસાફરો જ્યાં ઉભા હતા ત્યાં દોટ મુકી હતી. તેમને ઓછામાં ઓછા સમયમાં સામાન સાથે વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા . વિમાનને લેન્ડ થઈને ટેક ઓફ કરવામાં અઢી કલાકનો સમય લાગ્યો હતો.
ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આ ઓપરેશન યાદગાર બની રહેશે તેવુ વાયુસેનાનુ કહેવુ છે. આ વિમાનમાં બેસાડાયેલા 121 ભારતીયોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થતો હતો.