રાજ્યના પરિવહન કમિશનર વિવેક ભિમનવારે શુક્રવારે જાહેર કર્યું હતું કે મુંબઈ-પુણે હાઈવે પર ૧લી ડિસેમ્બરથી શરૂ કરાયેલા અભિયાનમાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટે ૪૦ હજાર વાહનચાલકો સામે કાર્યવાહી કરાઈ હતી. એમાં છ હજાર વાહનચાલકોને સીટબેલ્ટ ન પહેરવા માટે તેમજ સાત હજાર વાહનચાલકોને મંજૂર કરતા વધુ ગતિએ કાર હંકારવા માટે દંડિત કરાયા હતા.
આ અભિયાન પુણે એક્સપ્રેસવે અને જૂના મુંબઈ-પણે હાઈવે પર ચલાવાઈ રહ્યું છે અને મે સુધી ચાલુ રહેશે. કમિશનરે જણાવ્યું કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થઈ રહી છે. ખાસ કરીને સીટબેલ્ટનો ઉપયોગ નહિ કરનારાને દંડિત કરાઈ રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ જ માર્ગ પર થયેલા અકસ્માતમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધન પછી પરિવહન વિભાગે આ અભિયાનને મહત્વ આપ્યું છે.
પરિવહન વિભાગ વિશેષ કરીને સીટબેલ્ટ વિશે વાહનચાલકોને સજાગ કરવા માગે છે. હાઈવે પર સીટબેલ્ટનો ઉપયોગ નહિ કરનારાને દંડ ઉપરાંત કાઉન્સેલિંગ માટે પણ મોકલી દેવાય છે. વધુ ગતિએ કાર હંકારનારાનું પણ કાઉન્સેલિંગ કરાય છે. તેમની પાસે તેઓ ફરી નિયમનું ઉલ્લંઘન નહિ કરે તેવી માર્ગ સુરક્ષા પ્રતિજ્ઞાા લેવડાવવામાં આવે છે.
પરિવહન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર મુંબઈ-પુણે રૂટ પર વધુ ગતિએ કાર ચલાવવાના જાન્યુઆરીમાં ૨,૫૦૮ અને ફેબુ્રઆરીમાં ૧,૫૯૬ કેસ બન્યા હતા. માર્ચ અને એપ્રિલમાં અત્યાર સુધી હજારથી ઓછા કેસ થયા છે. સીટબેલ્ટનો ઉપયોગ નહિ કરવા માટે જાન્યુઆરીમાં સૌથી વધુ ૧,૫૪૧ કેસ બન્યા હતા. એવી જ રીતે લેન કટીંગ માટે ૬,૪૧૧ સામે કાર્યવાહી થઈ હતી જેમાં મોટી સંખ્યા ભારે વાહનોની હતી. નિયમિત કારચાલકોએ જણાવ્યું કે ટ્રકો ઘણીવાર જમણી લેન પર ચલાવીને કાર માટે જોખમ સર્જે છે.
અભિયાન દરમ્યાન પરિવહન અધિકારીઓએ ૬૫૬ વાહનચાલકોને ડ્રાઈવિંગ દરમ્યાન મોબાઈલ પર વાત કરવા માટે પકડયા હતા જ્યારે ૩,૧૯૪ વાહનચાલકોને ગેરકાયદે પાર્કિંગ કરવા માટે અને ૧,૨૨૬ વાહનો સામે અયોગ્ય હોવા માટે કાર્યવાહી કરાઈ હતી.