મેડિકલ દેશમાં દવાઓ અને ચેકઅપ એટલે કે મેડિકલ ફુગાવાનો દર સમગ્ર એશિયામાં સૌથી વધુ છે. તેની અસર સીધી સામાન્ય માનવીના ખિસ્સા પર પડી રહી છે. તાજેતરનાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે.
ઈન્સ્યોરટેક કંપની પ્લમના ‘કોર્પોરેટ ઈન્ડિયા હેલ્થ રિપોર્ટ ૨૦૨૩’ અનુસાર, મેડિકલ મોંઘવારી દર ૧૪ ટકા પર પહોંચી ગયો છે. મેડિકલ ખર્ચમાં વધારો થવાને કારણે કર્મચારીઓ પર વધારાનો આર્થિક બોજ વધી રહ્યો છે. ૭૧ ટકા કર્મચારીઓ પોતાના મેડિકલ બિલ પોતે ચૂકવે છે, જ્યારે માત્ર ૧૫ ટકા કંપનીઓ તેમના કર્મચારીઓને મેડિકલ કવર આપે છે.
હેલ્થ રિપોર્ટ અનુસાર, મેડિકલ ખર્ચમાં વધારો થવાને કારણે દેશના ૯ કરોડથી વધુ કર્મચારીઓનું જીવન પ્રભાવિત થયું છે. ઉપરાંત, તેમની કમાણીનો ૧૦ ટકાથી વધુ હિસ્સો સારવારમાં જાય છે. કંપની દ્વારા પુરી પાડવામાં આવતી તબીબી સ્વાસ્થ્ય વીમા સેવાઓ વિશે ૨૦ થી ૩૦ વર્ષની વયના કર્મચારીઓમાં ઓછી જાગૃતિ છે.
દેશમાં માત્ર હેલ્થ ઈન્સ્યોરન્સ જ નહીં પરંતુ લોકો હેલ્થ ચેકઅપ કરાવવામાં પણ ઘણા પાછળ છે. દેશમાં ૫૯ ટકા લોકો એવા છે જેઓ પોતાનું વાર્ષિક હેલ્થ ચેકઅપ કરાવતા નથી અને ૯૦ ટકા લોકો તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા નથી.