આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની વધતી દખલ અને તેની વિનાશક શક્તિના ખતરાની આશંકાઓ વચ્ચે અમેરિકાની જો બાઈડેન સરકારે ટેક્નોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ ગૂગલ અને માઈક્રોસોફ્ટના સીઈઓને ગુરુવારે વ્હાઇટ હાઉસમાં બોલાવી તાબડતોડ બેઠક યોજી હતી. વ્હાઈટ હાઉસમાં બાઈડેન સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા સાથે ટેક્નિકલ ક્ષેત્ર સહિત સરકારી ક્ષેત્રમાં AI લાગુ કરવા સંબંધિત નિયમો અને કાયદા અંગે ચર્ચા કરી અને તેના પર સરકાર કેવી રીતે નિયંત્રણ રાખી શકે તે મુદ્દે વાતચીત કરી હતી.
બાઈડેન સરકારે આપી આ મહત્ત્વની સલાહ
વ્હાઈટ હાઉસની આ ઈમરજન્સી બેઠકમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન તરફથી અધિકારીઓએ ટેક દિગ્ગજ કંપનીઓના સીઈઓને સલાહ આપી હતી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને લાગુ કરતા પહેલા કંપનીઓ એ સુનિશ્ચિત કરે કે નવી ટેક્નોલોજી દરેક રીતે સુરક્ષિત હોય. બાઈડેન સરકારના અધિકારીઓએ નીતિ નિર્માતાઓ અને જાહેર બુદ્ધિજીવીઓ દ્વારા AIથી પેદા થનારા ખતરા અને જોખમો અંગે પણ ચર્ચા કરી હતી જેણે ચેટજીપીટીની રાતોરાત સફળતા બાદ વૈશ્વિક સ્તરે ખ્યાતિ મેળવી હતી.