મણિપુરની સ્થિતિને ગંભીરતાને જોતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્ણાટકની મુલાકાત રદ કરવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ કર્ણાટકમાં સભા સંબોધી રોડ શો કરવાના હતા પણ મણિપુરમાં સ્થિતિ ગંભિરતાને જોતા તેમણે કર્ણાટક પ્રવાસ રદ કર્યો છે.
આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે મણિપુરના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બે વખત બેઠક કરી હતી. ગૃહમંત્રી આજે વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે કર્ણાટક જવાના હતા પરંતુ હવે તેમણે પ્રવાસ રદ કર્યો છે.
ગૃહમંત્રીની કર્ણાટક મુલાકાત રદ
સૂત્રોનું કહેવું છે કે મણિપુરમાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ગૃહ પ્રધાન અમિત શાહ ગુરુવાર (5 મે)થી સતત સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મણિપુરમાં હિંસાને જોતા રાજ્યમાં 1500 અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે મણિપુરમાં સેનાની 55 ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે.
અમિત શાહે અગાઉ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ મુખ્યમંત્રી એન.બિરેન સિંહે કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સરકાર દ્વારા દરેક શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યના નાગરિકો અને જાહેર મિલકતોની સલામતી માટે સરકાર પ્રતિબદ્ધ છે. કર્ણાટક પ્રવાસ રદ્દ થયાના એક દિવસ પહેલા અમિત શાહે મણિપુરના સીએમ એન બિરેન સિંહ અને અન્ય પડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.
ઈન્ટરનેટ પર પ્રતિબંધ, ટ્રેનો રદ્
ગૃહમંત્રીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા અંગે પણ ચર્ચા કરી હતી. મણિપુરમાં હિંસાને જોતા રાજ્યમાં 8 મે સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં ટ્રેનોના સંચાલન પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, હિંસાગ્રસ્ત 8 જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવાની સાથે, બદમાશો માટે ગોળી મારવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
મણિપુરમાં બહુમતી મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે સામેલ કરવાની માંગ સામે 3 મેના રોજ એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન, મણિપુર દ્વારા આયોજિત ‘આદિજાતિ એકતા માર્ચ’ને પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. આ અચાનક હિંસાએ મણિપુરના ઘણા જિલ્લાઓને ઘેરી લીધા હતા. તાત્કાલિક પગલાં લેતા, સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે રાજ્યમાં આસામ રાઇફલ્સ અને સેનાના એકમોને તૈનાત કર્યા.