કેદારનાથ ઘાટીમાં ખરાબ હવામાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે નિર્ણય કર્યો છે. ઉત્તરાખંડ સરકારે કેદારનાથ ધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન આગામી 8મી મે સુધી બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. કેદારનાથઘાટીમાં આગામી 3થી 4 દિવસ ખરાબ હવામાન રહેવાની સંભાવના હોવાથી આ નિર્ણય લીધો છે.
કેદારનાથ ધામના દરવાજા 25મી એપ્રિલે ખોલવામાં આવ્યા હતા
આ વર્ષે કેદારનાથ ધામના દરવાજા 25મી એપ્રિલે ખોલવામાં આવ્યા હતા. દેશમાંથી 4 મે સુધીમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી ચુક્યા છે. ઉત્તરાખંડ સરકાર વર્ષ 2013ની આપત્તિમાંથી બોધપાઠ લઈને ચારધામ યાત્રા ખાસ કરીને કેદારનાથ યાત્રા, ઉપરના ગઢવાલ હિમાલય પ્રદેશમાં સતત પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે અત્યંત સાવધાની રાખી રહી છે.
ભારે હિમવર્ષા અને વરસાદને કારણે બુધવારે માત્ર કેદારનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી નથી, પરંતુ ધામ તરફ આવતા યાત્રિકોને ઋષિકેશ, શ્રીનગર, ફાટા, ગૌરીકુંડ સહિતના વિવિધ હોલ્ટ પર રોકી દેવામાં આવ્યા છે. જો કે ગઈકાલે હવામાનમાં થોડો સુધારો થતાં કેદારનાથ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.
ખરાબ હવામાનને કારણે યાત્રા રોકવાનો નિર્ણય લેવાયો
ઉત્તરાખંડના પોલીસ મહાનિર્દેશકે જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે યાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુસાફરોને કોઈપણ સંભવિત અપ્રિય પરિસ્થિતિમાંથી બચાવી શકાય. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની સંભવિત આફતનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારી છે. જોકે આ સમય દરમિયાન કેદારનાથમાં કોઈ મોટું નુકસાન થયું નથી. બુધવારે જ કેદારનાથ ઘાટીમાં કુબેર ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટીને રાહદારીઓના માર્ગ પર પડ્યો હતો.
જેના કારણે સમગ્ર માર્ગ બરફથી ઢંકાઈ ગયો હતો. આ સિવાય લિંચોલીથી કેદારનાથ આવી રહેલા નેપાળી મૂળના ચાર પોર્ટર પણ ગ્લેશિયર તૂટવાને કારણે બરફમાં ફસાયા હતા. આ લોકોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.