વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીયોને ઘેલું લાગ્યું છે. સત્તાવાર રીતે ભારતની નાગરિકતા છોડી છેલ્લા છ વર્ષમાં વિવિધ દેશોમાં સ્થાયી થયેલા લોકોની સંખ્યા ૬,૯૨,૮૫૦ છે. આ સરકારના આંકડા અનુસાર તેમાંથી લગભગ અડધા એટલે કે ૩,૨૮,૬૧૯ એકલા અમેરિકામાં સ્થિર થયા છે. અમેરિકન કલ્ચર, લાઈફસ્ટાઈલ અને ડોલરની કમાણીનું આ જીવલેણ આકર્ષણ અત્યારે ફરી ચર્ચામાં છે. એક, શાહરૂખની ફિલ્મ ડંકી આ મુદ્દાને માનવીય રીતે સ્પર્શે છે તો બીજું, ફ્રાંસે ૩૦૩ ભારતીયોના લઇ જતા એક પ્લેનને ગુરુવારે રોક્યું હતું. ફ્રાંસ સરકારને આશકા છે કે આ ભારતીયો જેમાં ૧૧ જેટલા બાળકો પણ સામેલ છે તે અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગેરકાયદેસર રીતે દક્ષિણ અમેરિકાના નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકો પહોંચવાના જોખમી અને જીવલેણ માર્ગ અંગેની વિગતો વધારે ભયાવહ છે. ગુજરાતી ફેમીલી કેનેડાના માર્ગે ઘુસણખોરી કરવા ગયેલું અને બરફમાં થીજી ગયેલું એવી ખોફનાક ઘટનાથી શરુ થયેલું વર્ષ હવે જમીન માર્ગે દક્ષિણથી અમેરિકામાં ઘૂસવાની વધારે જોખમી ઘટના સાથે પૂર્ણ થઇ રહ્યું છે.
ફ્રાન્સની રાજધાની પેરિસથી લગભગ ૧૫૦ કિલોમીટર દૂર આવેલા વેટ્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ગુરુવારે ફ્યુઅલ ભરવા માટે દુબઈથી નિકારાગુઆ જઈ રહેલી ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી. ચાર્ટર્ડ કરેલી આ ફ્લાઈટમાં ૩૦૩ મુસાફરો હતા અને તેમાં ૯૬ ગુજરાતીઓ સહિત ૨૮૦ ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. ભારત કે ફ્રાંસ સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી, મુસાફરો અંગે કોઈ માહિતી નથી મળી રહી. એટલું જાણવા મળ્યું છે કે આ મુસાફરોનો ઉદ્દેશ સ્વપ્નના દેશ અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરી વસવાટ કરવાનો હોય એવા શકના આધારે ફ્લાઈટને રોકી દેવામાં આવેલી, બે વ્યક્તિની અટકાયત કરી હતી. સોમવારે આ ફ્લાઈટ ભારત આવવા રવાના થઇ હોવાનું એસોસિએટેડ પ્રેસ નામની એજન્સીનો અહેવાલ જણાવે છે.
ઘુસણખોરી માટેના આ પ્રયાસને ડોન્કી રૂટ કહેવામાં આવે છે. શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી કોઇપણ પ્રકારે વિદેશમાં ઘુસવા માટે મથી રહેલા એક પંજાબી કુટુંબની જ વાત લઇ આવી છે. ડોન્કી રૂટ એટલા માટે કહે છે કે મુસાફર ભારતની નીકળે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ – ક્યારેક ફ્લાઈટમાં, તો પગપાળા કે પછી દરિયાઈ માર્ર્ગે પ્રવાસ કરી – કેનેડા કે મેક્સિકો પહોચે છે. એક દેશ પહોંચવા માટે તે લગભગ ડઝન જેટલા દેશોના પ્રવાસ ખેડે છે. કેટલાક દેશોમાં પ્રવેશ માટે વિઝા હોય છે તો ક્યારેક તેના વિઝા પણ નથી હોતા! ફ્રાંસની ફ્લાઈટના પ્રવાસીઓનો ઉદ્દેશ પણ ડોન્કી રૂટથી અમેરિકા પહોચવાનો હોય શકે. આ રૂટમાં અખાતના દેશોમાંથી યુરોપ, પછી આફ્રિકા કે મધ્ય અમેરિકન દેશોમાં અને ત્યાંથી દરિયાઈ કે જમીન માર્ગે તે મેક્સિકો પહોચવાનો પ્રયત્ન થયો હોવાની વાત મળી રહી છે.
જોકે, જેટલી સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદવું એમ કહેવું સરળ છે પણ નિકારાગુઆથી અમેરિકા પહોંચવાનો માર્ગ બહુ જોખમી છે. દરિયાઈ માર્ગે કે જમીન માર્ગે બન્ને રીતે જાન જોખમમાં મૂકી, કોઇપણ પ્રકારના સેલફોન નેટવર્ક, રોડ કે વાહન વગરનો આ માર્ગ કઠોર છે. ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડને જોડતા, કોલમ્બિયા અને પનામાના જંગલોમાંથી પસાર થતા આ માર્ગને ‘ડારીયન ગેપ’ તરીકે ઓળખવામાં આવે છે. પનામાના જંગલો, સેંકડો નાની મોટી નદી – ઝરણાં અને પહાડોને કોતરી નીકળતો આ માર્ગ હકીકતે તો એક આસ્ફાલટનો રોડ હોત પણ અનેક મુશ્કેલી, વિરોધ વચ્ચે તે કાર્ય પૂર્ણ થયું નથી. લગભગ ૧૬૦ કિલોમીટર લાંબા આ રૂટ ઉપર રહેવા, જમવા કે રોકવા માટે કોઈ સવલત નથી. લગભગ ત્રણ દાયકાથી તેનો ઉપયોગ અમેરિકામાં ઘુસવા માટે થઇ રહ્યો છે. અમેરિકન સત્તાવાળા અને સરકાર પનામા અને કોલમ્બિયાની મદદથી અહીથી લોકોને ઘુસતા રોકવા માટે પગલાં લઇ રહી છે પણ લોકો અટકી રહ્યા નથી. રોઈટર્સના અહેવાલ અનુસાર ૨૦૨૩માં લગભગ ચાર લાખ લોકોએ આ માર્ગ થકી અમેરિકામાં પ્રવેશ માટે પ્રયત્ન કરેલો. ગત વર્ષે આ સંખ્યા લગભગ બે લાખ જેટલી હતી. પનામા સરકારના સત્તાવાર અહેવાલ અનુસાર આ માર્ગ ઉપર ૨૦૧૪ થી ૨૦૨૧ વચ્ચે ૨૬૦ જેટલા વ્યક્તિ મૃત્યુ પામ્યા છે કે ગુમ થઇ ગયા છે. પનામાની સેનાને છેલ્લા છ વર્ષમાં ૧૪૦ જેટલા જ મૃતદેહ હાથ લાગ્યા છે. જોખમી હોવા છતાં લોકો આ માર્ગે અમેરિકા જવા માટે તત્પર છે.
અમેરિકામાં સત્તાવાર અને બિનસત્તાવાર રીતે વસવાટ કરવા માટે ભારતીયોનું ગાંડપણ છે. વ્યક્તિદીઠ રૂ.૫૦ થી ૮૦ લાખનો ખર્ચ, સંખાબંધ નકલી દસ્તાવેજો અને વિઝાના કાગળો તૈયાર કરી લોકો વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર ગણાતા દેશમાં ઘુસવા માટે તત્પર રહે છે. કોરોના મહામારી પછી વધુ મોટી સંખ્યામાં ભારીત્યો અમેરિકામાં ઘુસી રહ્યા છે. અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના આંકડાઓ અનુસાર ઓક્ટોબર ૨૦૨૨થી સપ્ટેમ્બર ૨૦૨માં ૯૬,૯૧૭ ભારતીયો ગેરકાયદે ઘુસણખોરી માટે પકડાયા છે – કેટલાકને પરત મોકલી દેવામાં આવ્યા છે તે કેટલાકની અટકાયત કરવામાં આવી છે. એના આગળના ૧૨ મહિનામાં આ આંકડો ૧૯,૮૮૩ હતો. એટલે કે એક વર્ષમાં પાંચ ગણો વધારો જોવા મળ્યો છે. અમેરિકામાં દસ્તાવેજ વગર વસવાટ કરતા ભારતીયોની સંખ્યા ૨૦૨૧માં ૩૦,૬૬૨ હતી જે ૨૦૨૨માં વધી ૬૩,૯૨૭ થઇ છે. અમેરિકામાં ઘુસણખોરી મારે ઉત્તરે કેનેડા અને દક્ષિણમાં મેક્સિકો સૌથી ફેવરીટ રૂટ માનવામાં આવે છે. અમેરિકન સરકારના અંદાજ અનુસાર જે ભારતીયોએ ગત વર્ષે ઘુસણખોરી માટે પ્રયત્ન કર્યો તેમાં ૩૦,૦૧૦ કેનેડાથી અને ૪૧,૭૭૦ દક્ષિણની સરહદે મેકિસકોથી ઝડપાયા છે.
સ્વતંત્રતા, વધારે કમાણીની તક, જીવંત લોકશાહી કે પછી અદેખાઈને કારણે વધુને વધુ ભારતીયો અમેરિકા કે યુરોપમાં સ્થાયી થઇ વધારે ઉજ્જવળ ભવિષ્ય માટે જાન જોખમમાં મૂકીને, સ્વદેશમાં રહેલી દરેક મિલકત વેચીને પણ અમેરિકા જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અમેરિકન વિઝા માટે વર્ષો સુધી રાહ જોવી, કાયદેસરના વિઝાની જટિલ, કઠોર પ્રક્રિયાના કારણે પણ કેટલાક કંટાળી ગેરકાયદે ઘુસણખોરીના ઓર્ગેનાઈઝડ ચેનલનો ભોગ બનતા થયા છે. સંખાબંધ ઘટનાઓ સામે આવી છે કે પરિવાર સાથે લોકો મોતને ભેટે છે પણ અમેરિકા પહોંચવા માટે ભારતીયોને આ ઘટનાઓના નગ્ન સત્ય પણ સ્વીકારવા નથી.
ભારતીયોમાં વિદેશમાં સ્થાયી થવાનું ઘેલું છે. અને આ ગાંડપણને લીધે અહી ગેરકાયદેસર રીતે વિઝા, નકલી દસ્તાવેજો અને એજન્ટ બની વિદેશ મોકલવાનો એક વ્યવસાય ચાલે છે. લોકસભામાં તા. ૧૫ ડિસેમ્બરે જાહેર કરેલી માહિતી અનુસાર ભારતમાં ૨૯૨૫ એવા એજન્ટ છે કે જે નોકરી, વિદેશ સ્થાયી થવા માટે લાયક નથી અને તે ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. આવા એજન્ટોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશ, આંઘ્ર પ્રદેશ, દિલ્હી અને પંજાબમાં પ્રવૃત્ત છે. સરકારે વધુ એક પ્રશ્નના જવાબમાં રાજ્યસભાને જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકન સત્તાવાળાઓએ બે લાખ જેટલા ભારતીયોને ગેરકાયદેસર રીતે, યોગ્ય દસ્તાવેજો વગર વસવાટ કરતા ઝડપ્યા છે. જોકે, સત્તાવાર રીતે ભારત સરકાર પાસે દેશ છોડી ગેરકાયદે અન્ય દેશોમાં સ્થાયી થયેલા લોકો અંગે કોઈ ચોક્કસ માહિતી નથી.
જોખમી, જીવલેણ ડારીયન ગેપ
ડારીયન ગેપનો ઉલ્લેખ વિશ્વના સૌથી જોખમી પ્રવાસી રૂટ તરીકે થયા છે. છતાં દરેક જોખમ ઉઠાવી ગરીબ દેશોમાંથી અમીર દેશોમાં વસવાટ કરવા માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે. દક્ષિણ અમેરિકન સરહદે જ્મીન માર્ગે પહોંચવાનો આ એકમાત્ર રસ્તો હોવાથી પણ તેના ઉપર લોકો પસંદ ઉતારી રહ્યા હોવાનું માનવામાં આવે છે. જીવતા રહીશું એની કોઈ ગેરેન્ટી નહી હોવા છતાં, અમેરિકામાં પ્રવેશ મળશે કે નહી તે નિશ્ચિત નહી હોવા છતાં લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે.
અહી પહોચવા માટે અહી ઉરાબાના અખાતને પાર કરવા માટે નીકોલીથી ડારીયન પહોંચવામાં આવે છે. આ પછી શરુ થાય છે પગપાળા સફર. ખભ્ભે થેલો જેમાં થોડું ખાવાનું અને પીવા માટે પાણી, તો કોઈક પોતાના બાળકને લઇ ૧૬૦ કિલોમીટર લાંબા રૂટ ઉપર ચાલવાનું શરુ કરે છે. એજન્ટની મદદથી કોઈ સ્થાનિક તમને રસ્તો બતાવવા માટે હાજર હોય છે કે ૧૦૦૦ થી ૨૦૦૦ ડોલરમાં વ્યક્તિદીઠ આ કામ કરે છે. આ રસ્તો કોઈ ચોક્કસ માર્ગ નથી, તમારો ગાઈડ તમને જે રીતે દિશાદોરી કરે એ રીતે ચાલવાનું હોય છે. ક્યાંક કોલમ્બિયાના ઉગ્રવાદીઓની સાથે સંઘર્ષ પણ કરવો પડે અને વધારાના નાણા પણ આપવા પડે. લગભગ ચાર કે પાંચ દિવસ પગપાળા યાત્રા જેમાં જંગલ, નદીઓમાં તરવું અને પહાડીઓ ચડવા સહીતનો સમાવેશ થાય છે પછીની યાત્રા પ્રમાણમાં સરળ છે.
અમેરિકામાં ઘૂસણખોરી માટે નિકારાગુઆ એક સ્વર્ગ
અમેરિકામાં ઘુસણખોરી કરવા માટે આફ્રિકન અને દક્ષિણ અમેરિકા ખંડના અન્ય દેશો માટે નિકારાગુઆ એક લોન્ચિગ પેડ કે સ્વર્ગ છે. અમેરિકન ખંડના સૌથી ગરીબ દેશ હૈતીથી અહી દર મહીને ૨૬૦ જેટલી ચાર્ટર્ડ ફ્લાઈટ મુસાફરોને લઈને આવે છે. આ દરેક નાગરિકનો ઉદ્દેશ યેનકેન પ્રકારે અમેરિકામાં સ્થાયી થવાનો છે. અમેરિકન વહીવટી તંત્રે નિકારાગુઆ ઉપર પ્રતિબંધો લાદેલા છે પણ સ્થાનિક સરકારે ઘુસણખોરોની સંખ્યા વધારે રાષ્ટ્રપતિ બાયડેન ઉપર આ પ્રતિબંધો હળવા બનાવવા માટે દબાણ કરી રહી છે.