આ જ કારણે હવે ચીન પણ પોતાની સેનામાં ગોરખા સૈનિકોને સામેલ કરવા માટે ધમપછાડા કરી રહ્યુ છે. આ માટે મંજૂરી આપવા માટે ચીન દ્વારા નેપાળની કમ્યુનિસ્ટ સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવે તેવી શક્યતા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતીય સેનામાં દર વર્ષે 1300 જેટલા ગોરખા સૈનિકોની ભરતી થતી હોય છે. પરંતુ 2023માં ભારતીય સેનામાં એક પણ ગોરખા જવાન સામેલ નહીં થાય. જેનુ કારણ ભારતે શરુ કરેલી અગ્નિવીર યોજના છે.આ યોજનાનો નેપાળ વિરોધ કરી રહ્યુ છે અને આ વખતે તેણે ગોરખા યુવાનોને ભારતીય સેનામાં સામેલ થવા માટે પરવાનગી આપી નથી. નેપાલનુ માનવુ છે કે, 1947માં થયેલા કરારનુ અગ્નિવીર યોજનાના કારણે પાલન થઈ રહ્યુ નથી.
1947માં ભારત જ્યારે આઝાદ થયો ત્યારે સેનામાં કાર્યરત ગોરખા રેજિમેન્ટોને ભારત અને બ્રિટન વચ્ચે વહેંચવાનો નિર્ણય લેવાયો હતો. 10માંથી 6 ગોરખા રેજિમેન્ટોએ ભારતમાં રહેવાનુ પંસદ કર્યુ હતુ. બાકીની ચાર રેજિમેન્ટો બ્રિટન જતી રહી હતી. તે વખતે થયેલા સમાધાનમાં નક્કી કરાયુ હતુ કે, ભારત અને બ્રિટનની સેનામાં ગોરખાઓને સમાન તક મળશે, તેમના હિતોનુ ધ્યાન રાખશે અને તેમની સાથે કોઈ ભેદભાવ નહીં કરવામાં આવે. બંને દેશની સેનામાં ગોરખાઓની નિમણૂંક નેપાળી નાગરિક તરીકે જ થશે.
નેપાળ સરકારને લાગે છે કે, અગ્નિવીર યોજનાના કારણે ભારતે આ સમાધાનનો ભંગ કર્યો છે. ચીન આ તકનો લાભ લેવા માટે ધમપછાડા કરી રહ્યુ છે. ચીન પોતે પણ જાણે છે કે, ગોરખાઓ જન્મજાત લડાયક હોય છે. પહાડી વિસ્તારોમાં રહેતા હોવાથી તેમનુ શરીર પણ ઉંચાઈવાળા વિસ્તારોમાં લડવા માટે ટેવાયેલુ હોય છે. તેઓ ગમે તે પ્રકારના દુશ્મનને ધૂળ ચાટતા કરી દેવા માટે સક્ષમ હોય છે. 1814માં અંગ્રેજો અને ગોરખાઓ વચ્ચે યુધ્ધ થયુ ત્યારે બ્રિટિશ સેનાએ આ વાતનો અનુભવ કરી લીધો હતો. એ પછી બ્રિટને પણ ગોરખા સૈનિકોની ભરતી ભારતીય સેનામાં શરુ કરી હતી.