કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદની સીબીઆઈના નવા ‘બોસ’ તરીકે નિમણૂક કરાઈ છે. વડાપ્રધાન, સીજેઆઈ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની એક હાઈ લેવલની કમિટીએ તેમને સીબીઆઈના નિર્દેશક બનાવવાને લઈને મંજૂરી આપી દીધી હતી. આઈપીએસ અધિકારી પ્રવીણ સૂદનો કર્ણાટકમાં કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ ડી.કે.શિવકુમાર સાથે 36નો આંકડો છે. એવામાં મહત્ત્વપૂર્ણ એ છે કે કર્ણાટકમાં કોંગ્રેસને બહુમતી મળતા જ કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે તેમની નિમણૂકનો આદેશ જાહેર કરી દેવાયો હતો.
ડી.કે.શિવકુમારે ‘નાલાયક’ કહ્યા હતા
શનિવારે સાંજે યોજાયેલી હાઇ લેવલની મીટિંગમાં પ્રવીણ સૂદની નિમણૂકનો નિર્ણય લેવાયો હતો. કર્ણાટકમાં જીત બદલ ડી.કે.શિવકુમારને ક્રેડિટ અપાઈ રહી છે. બીજી બાજુ સીએમ પદના તેઓ દાવેદાર પણ છે. આ દરમિયાન મહત્ત્વપૂર્ણ એ છે કે ડી.કે.શિવકુમારે એક વખત ડીજીપી પ્રવીણ સૂદને ‘નાલાયક’ કહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ત્રણ વર્ષથી ડીજીપીને પદ પર રહેતા ભાજપના કાર્યકરની જેમ કામ કરી રહ્યા છે. તેમની વિરુદ્ધ તો એફઆઈઆર થવી જોઈએ. શિવકુમારનું કહેવું હતું કે સૂદે કોંગ્રેસના કાર્યકરો સામે ખોટાં કેસ દાખલ કર્યા હતા. તેમણે ચૂંટણીપંચને કહ્યું હતું કે પ્રવીણ સૂદની ધરપકડ કરવી જોઈએ.
અધીર રંજને નિમણૂકનો કર્યો હતો વિરોધ
લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રવીણ સૂદની નિમણૂકનો વિરોધ કર્યો હતો. હવે બે વર્ષ સુધી સૂદ આ પદ પર રહેશે. તે સીબીઆઈના નિર્દેશક સુબોધ કુમાર જાયસવાલનું સ્થાન લેશે. સૂત્રો અનુસાર આ બેઠકમાં અધીર રંજન ચૌધરીએ સૂદની નિમણૂક સામે વાંધો દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તે એવા આઈપીએસ અધિકારીઓના એ પુલનો ભાગ નથી જે આ પદ પર સેવા આપી શકે.