વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ‘રોજગાર મેળા’ હેઠળ લગભગ 71,000 નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા હતા અને કહ્યું કે, સરકારે ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ન્યાયી બનાવી છે. જેના કારણે ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રીજાવાદનો અંત આવ્યો છે. આ નિમણૂકો કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રોજગાર મેળો યુવાનોને સશક્ત બનાવવા અને રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભાગીદારીને મજબૂત કરવાનો અમારો પ્રયાસ છે. સમગ્ર દેશમાં 45 સ્થળોએ ‘રોજગાર મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વડાપ્રધાન મોદીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા આ નવનિયુક્ત કર્મચારીઓને સંબોધિત કર્યા હતા અને તેમને સરકારી નોકરી મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘આજે 70 હજારથી વધુ યુવાનો ભારત સરકારના વિવિધ વિભાગોમાં સરકારી નોકરીઓ માટે નિમણૂક પત્રો મેળવી રહ્યા છે. તમે બધાએ સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે. હું તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.
તેમણે કહ્યું કે, છેલ્લા નવ વર્ષોમાં ભારત સરકારે પણ સરકારી ભરતી પ્રક્રિયાને ઝડપી, વધુ પારદર્શક અને ન્યાયી બનાવવા માટે પ્રાથમિકતા આપી છે. આજે અરજીથી લઈને પરિણામ આવવા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે દસ્તાવેજોનું સ્વ-પ્રમાણીકરણ પણ પૂરતું છે અને ‘ગ્રુપ સી’ અને ‘ગ્રુપ ડી’ ની જગ્યાઓ માટે ભરતી માટે ઈન્ટરવ્યુ પણ નથી લેવાતા. તેમણે કહ્યું કે, આ તમામ પ્રયાસોથી ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદનો અંત આવ્યો છે.
નવનિયુક્ત કર્મચારીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે જે ઝડપે અને સ્કેલ પર કામ કરી રહ્યું છે તે પણ આઝાદીના 75 વર્ષના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. તેમણે વધુમાં કહ્યું કે, 9 વર્ષ પહેલા આજથી 16 મેના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. ત્યારે આખો દેશ ઉત્સાહ, ઉમંગ અને વિશ્વાસથી નાચી ઉઠ્યો હતો. સૌના વિકાસના મંત્ર સાથે આગળ વધતું ભારત આજે વિકસિત ભારત બનવાના પ્રયાસો કરી રહ્યું છે.