ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) હેઠળ દાખલ કરાયેલા કેસોમાંથી સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં નાણાંકીય ક્રેડિટર્સને ડીફોલ્ટરો પાસેથી રિકવર કરવાની રહેતી રકમમાંથી ૩૬ ટકા રકમ પરત મેળવવામાં સફળતા મળી હતી. છેલ્લા બે વર્ષની રિકવરીની ટકાવારીમાં વધારો જોવા મળી રહ્યો છે.
નાણાં વર્ષ ૨૦૨૨માં ૨૩ ટકા અને નાણાં વર્ષ ૨૦૨૧માં ૧૭ ટકા રિકવરી રહી હતી. કોરોનાનો કાળ સમાપ્ત થવા સાથે નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ્સની સુનાવણીમાં ઝડપ આવતા રિકવરીની ટકાવારી વધવા પામી છે, એમ ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડના સુત્રોએ જણાવ્યું હતું.
આર્થિક સ્થિતિમાં સુધાર સાથે બિડરો દ્વારા ઓફરમાં પણ વધારો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે. ટ્રીબ્યુનલ્સ સમક્ષ દાખલ થયેલા કુલ રૂપિયા ૧.૪૨ લાખ કરોડના કેસોમાંથી ધિરાણદારો નાણાં વર્ષ ૨૦૨૩માં રૂપિયા ૫૧૪૨૫ કરોડ પરત મેળવી શકયા છે. રૂપિયા ૨.૧૪ લાખ કરોડના દાખલ કરાયેલા કેસમાંથી નાણાં વર્ષ ૨૦૨૨માં રિકવરીનો આંક રૂપિયા ૪૯૨૦૮ કરોડ રહ્યો હતો.
દરમિયાન, ૨૦૧૯થી જ્યારથી વ્યક્તિગત ગેરન્ટરને પરસનલ બેન્કરપ્સીની જોગવાઈઓ હેઠળ આવરી લેવાયા છે ત્યારથી અત્યારસુધીની રિકવરીના આંકડા પર નજર નાખવામાં આવતા જણાય છે કે, પરસનલ ગેરન્ટર પાસેથી રિકવરી એકદમ નબળી રહી છે.ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમાણે માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧૮૩૯ કેસોમાં પરસનલ બેન્કરપ્સીની જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે. જે લોકો સામે આ જોગવાઈઓ લાગુ કરવામાં આવી છે તેમાંના મોટાભાગના ફડચામાં ગયેલી કંપનીઓના પ્રમોટરો જ છે.
ડીસેમ્બર ૨૦૧૯થી જ્યારથી આ જોગવાઈઓ અમલી બનાવાઈ છે ત્યારથી અત્યારસુધીમાં ૧૮૩૯ કેસોમાંથી ૭૬૦ કેસોમાં રિઝોલ્યુશન પ્રોફેશનલ્સની નિમણૂંક કરાઈ છે. જોકે આમાંથી રૂપિયા ૧૪૭૨ કરોડની રકમને આવરી લેતા માત્ર ૨૦૮ કેસોને એડમિટ કરાયા હતા અને ધિરાણદારો માત્ર રૂપિયા ૨૩ કરોડ રિકવર કરી શકયા હોવાનું આંકડા પરથી જણાય છે.