અમરનાથ યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નવા નિયમો મુજબ હવે 13 વર્ષની નીચેના અને 75 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને અમરનાથ યાત્રા પર જવાની મંજુરી અપાશે નહીં. અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા માટે 17 એપ્રીલથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું હતું. મોટી સંખ્યામાં લોકો પરમિટ મેળવવા દેશભરની પસંદગી કરાયેલી બેંકોની શાખાઓ પર પહોંચવા લાગ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં 3880 મીટર ઊંચાઈ પર આવેલ ગુફા મંદિરની 62 દિવસની તીર્થ યાત્રા એક જુલાઈથી 31 ઓગસ્ટ સુધી યોજાવાની છે. નવા નિયમો મુજબ 6 મહિનાથી વધુ સગર્ભા મહિલાઓનું યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ બંધ કરાયું છે.
અમરનાથ જવા તીર્થયાત્રીએ પ્રતિષ્ઠિત ડોક્ટરોનું આરોગ્ય પ્રમાણપત્ર મેળવવું જરૂરી
બાબા અમરનાથ 2 રસ્તાઓ દ્વારા પહોંચી શકાય છે. પ્રથમ રસ્તો દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પહલગામ થઈને પારંપરિક 48 કિલોમીટરના રૂટ પરથી, જ્યારે બીજો રસ્તો મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં 14 કિલોમીટર ટૂંકો પરંતુ ઊંચો ચઢાણવાળો બાલટાલ માર્ગ દ્વારા બાબા અમરનાથ પહોંચી શકાય છે. અધિકારીઓએ કહ્યું કે, યાત્રા ઉપરોક્ત બંને રસ્તાઓ પરથી એકસાથે શરૂ થશે. તીર્થયાત્રીઓ માટે ગત વર્ષની મેન્યુઅલ પ્રક્રિયાના બદલે આ વર્ષે આધાર પ્રમાણપત્ર આધારિત ફોર્મ જનરેશન સિસ્ટમ બનાવાઈ છે. ગત વર્ષ સુધી મુસાફરોને મેન્યુઅલ ફોર્મ અપાતા હતા, હવેથી સિસ્ટમ મુજબ ફોર્મ જનરેટ કરવામાં આવશે. યાત્રામાં જવા ઈચ્છુક તીર્થયાત્રીઓ પ્રતિષ્ઠિત ડોક્ટરો પાસેથી આરોગ્ય પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે.
અમરનાથ યાત્રા માટે 2500થી વધુ મોબાઈલ ટોઈલેટ તૈયાર કરવાની યોજના
આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે બેઠક પણ યોજી હતી. વિસ્તારમાં પર્યાપ્ત પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ ચુકી છે. બેઠકમાં વર્તમાન સુરક્ષા પરિદ્રશ્ય અને આ વર્ષે યાત્રા પર સંભવિત જોખમોને ધ્યાને રાખીને CRPF, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ વચ્ચે વિગતવાર ચર્ચા થઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે 2500થી વધુ મોબાઈલ ટોઈલેટ તૈયાર કરવાની યોજના છે. અધિકારીઓએ જણાવ્યું કે, આમાંથી મોટાભાગના શૌચાલય 3,880 મીટરની ઉંચાઈ પર પવિત્ર ગુફા તરફ જતા બે મુખ્ય માર્ગો પર બનાવાશે. લખનપુરથી ગુફા સુધીના શૌચાલયોના સંચાલન માટે 1500 લોકોને કાર્યરત કરાશે.