રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજ ભૂષણ સિંહ સામે જાતિય સતામણીની ફરિયાદ કરનાર સગીર કુસ્તીબાજના પિતાએ યુ-ટર્ન લીધો છે. તેમણે કબલ્યું છે કે તેઓએ જાણીજોઈને WFI ચીફ સામે જાતીય સતામણીની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી હતી, કારણ કે તેઓ તેમની પુત્રી સાથેના અન્યાયનો બદલો લેવા માગતાં હતાં. આ ચોંકાવનારી કબૂલાતથી છેલ્લાં છ મહિનાથી કુસ્તીબાજોના વિરોધનો સામનો કરી રહેલા ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ સિંહ સામેનો કેસ નબળો પડ્યો છે. સગીર કુસ્તીબાજની ફરિયાદને કારણે બ્રિજ ભૂષણ સામે પોક્સો એક્ટ હેઠળ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
હવે યુ-ટર્ન કેમ માર્યો છે તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કોર્ટને બદલે અત્યારે સત્ય બહાર આવે તે વધુ સારું છે. હવે તપાસ ચાલુ થઈ છે. સરકારે ગયા વર્ષે મારી પુત્રીની હાર (એશિયન U17 ચેમ્પિયનશીપ ટ્રાયલ્સમાં) માટે ન્યાયી તપાસનું વચન આપ્યું છે, તેથી તે મારી ફરજ પણ છે કે હું મારી ભૂલ સુધારું. બ્રિજ ભૂષણ સામે તેમની અને તેમની પુત્રીની દુશ્મનાવટના મૂળ કારણની વિગતો પણ આપી હતી. દુશ્મનાવટની શરૂઆત લખનૌમાં 2022 અંડર 17 એશિયન ચેમ્પિયનશિપ ટ્રાયલ્સથી શરૂ થઈ હતી. તે સમયે તેમની સગીર યુવતીની હાર થઈ હતી અને તેનાથી ભારતીય ટીમમાં પસંદગી થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે બ્રિજ ભૂષણ સામેની પોલીસ તપાસ પણ શરૂ કરી દેવાઇ છે. દિલ્હી પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને તેણે સાંસદના ઘરના લોકો અને અન્ય સહયોગીઓની પૂછપરછ પણ કરી હતી.