વર્ષ 2012માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ હિટ સાબિત થઈ હતી. હવે ઓહ માય ગોડની સફળતાના 11 વર્ષ બાદ અક્ષય કુમાર સોશિયલ કોમેડી ઓહ માય ગોડ 2 સાથે પરત આવી ગયા છે. પહેલા પાર્ટમાં અક્ષય કુમારને ભગવાન કૃષ્ણના રૂપમાં દર્શાવવામાં આવ્યા હતા હવે ઓહ માય ગોડ 2 માં અક્ષય કુમાર ભગવાન શિવના પાત્રમાં જોવા મળશે. ફિલ્મના પોસ્ટરે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.
ઓહ માય ગોડ 2 માં અક્ષય કુમાર, યામી ગૌતમ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે. હવે અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નવુ પોસ્ટર શેર કરી ફિલ્મની થિએટ્રિકલ રિલીઝની તારીખ જાહેર કરી દીધી છે.
શુક્રવારની સવારે અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુલાસો કર્યો કે ફિલ્મ 11 ઓગસ્ટ 2023એ થિયેટર્સમાં રિલીઝ થશે. અક્ષય કુમારે લખ્યુ, અમે આવી રહ્યા છીએ, તમે પણ આવજો 11 ઓગસ્ટે. એક્ટરે ઓહ માય ગોડ 2 નું એક નવુ પોસ્ટર પણ જાહેર કર્યુ છે જેમાં તેમને ભગવાન શિવના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં આની ઉપર હિંદીમાં રિલીઝની તારીખ લખેલી છે, જેની નીચે ઓએમજી 2 લખેલુ છે.
દરમિયાન અભિનેત્રી યામી ગૌતમે પણ આ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ છે. તેણે લખ્યુ, ”તારીખ લોક છે! OMG2 11 ઓગસ્ટ, 2023એ થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. ત્યાં મળીએ!”
ઓહ માય ગોડ 2 ભારતમાં સેક્સ એજ્યુકેશનના બેકડ્રોપ વિરુદ્ધ સેટ કરવામાં આવી છે. અશ્વિન વર્દે, વાયકોમ 18, Jio સ્ટુડિયો ઓહ માય ગોડ 2 ના પ્રોડ્યુસર છે. અક્ષય કુમારે મધ્ય પ્રદેશમાં ઓક્ટોબર 2021માં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ હતુ. જે બાદ તેમણે ફિલ્મના ફર્સ્ટ-લુક પોસ્ટરને શેર કર્યુ હતુ અને લખ્યુ હતુ કે ”કરતા કરે ના કરે શિવ કરે સો હોએ. OMG2 માટે તમારા આશીર્વાદ અને શુભકામનાઓની જરૂર છે, એક મહત્વપૂર્ણ સામાજિક મુદ્દા પર પ્રતિબિંબિત કરવાનો અમારો ઈમાનદાર અને વિનમ્ર પ્રયાસ. હર હર મહાદેવ અમને આ યાત્રાના માધ્યમથી આશીર્વાદ આપો”