કમોસમી વરસાદના પગલે શાકભાજીના ભાવ અચાનક ઘટતા રાજકોટના ધોરાજીના ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ધોરાજીના સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક સામે ગ્રાહકો ઘટતા વેપારીઓ ચિંતામાં મુકાયામાં છે. યાર્ડમાં ટામેટા, કોબીજ, લીંબુ, રીંગણ, કોથમરી સહિતના વિવિધ શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક છે, પરંતુ શાકભાજીના ભાવ અચાનક ગગડી જતા વેપારીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં છે.
ગત સપ્તાહની સરખામણીએ દરેક શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુ 120 રૂપિયે કિલો હતા જેના ભાવ ઘટીને 60થી 70 રૂપિયા થયા છે તો રીંગણના ભાવ પ્રતિ કિલો 15થી 20 રૂપિયા છે. જે ગત સપ્તાહમાં 40થી 45 રૂપિયા હતા. કોબીજના 10થી 15 રૂપિયા પ્રતિ કિલો ભાવ હતા, જે હાલમાં ઘટીને 5થી 7 રૂપિયા થઈ ગયા છે તો કોથમીરના ભાવ 100 રૂપિયા હતા જે ઘટીને 50થી 60 રૂપિયા થયા છે અને ટામેટા 40થી 50 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા. જે ગગડીને 15થી 20 રૂપિયા થયા છે.