ખેડૂતોને મબલક આવક આપતો પાક એટલે કેળનો પાક છે. પરંતુ હાલમાં પડી રહેલો ભારે પવન સાથેનો વરસાદ તમામ પાકોને નુકશાન પહોચાડી રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લામાં કેળાની ખેતી જમીનદોસ્ત થઈ છે. માવઠાએ નર્મદા જિલ્લાના ખેડૂતો પર કહેર વરસાવ્યો છે. નાંદોદ તાલુકાના રાજપરા, કાદરોજ, નાવરા, નિકોલી જેવા ગામોમાં લગભગ 500થી વધુ એકર જમીનમાં કેળાના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે. કેળનો પાક એવો છે જે એક વાર ઉગાડ્યા બાદ લાંબા સમય સુધી આ પાક આવક રળી આપે છે. ત્યારે હાલ માવઠાને કારણે ઘણા ખેડૂતોના ખેતરમાં 70થી 80 ટકા છોડ વરસાદના કારણે પડી ગયા છે.
નર્મદા જીલ્લામાં 500 એકરમાં કેળનો પાક નષ્ટ થયા હોવાની માહિતી સામે આવી છે. મહત્વનુ છે કે, કેળના પાકની આવક પર નિર્ભર રહેતો ખેડૂતો મોટી મુસીબતમાં મૂકયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે માવઠામાં પાયમાલ થયેલા ખેડૂતો સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં 70 થી 80 ટકા છોડ પર વરસાદી કહેરને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. જેમથી બહાર આવવું ખેડૂતો માટે મુશ્કેલી બની રહ્યું છે.