રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની બોર્ડની શુક્રવારે બેઠક મળવાની શકયતા છે અને આ આ બેઠકમાં સરકારને ડિવિડન્ડની ચૂકવણી બાબતે નિર્ણય લેવાશે તેવી ધારણાં રાખવામાં આવે છે.
રિઝર્વ બેન્કની નાણાંકીય સ્થિતિ અને તેમાંથી સરકારને તેમાંથી કેટલી રકમ પૂરી પાડી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા કરાશે. નાણાં વર્ષ ૨૦૨૨માં રિઝર્વ બેન્કે સરકારને પોતાની પાસેની રકમમાંથી રૂપિયા ૩૦,૩૦૭ કરોડ વધારાની રકમ કેન્દ્રને ટ્રાન્સફર કરી હતી. વર્તમાન નાણાં વર્ષમાં આ રકમ રૂપિયા ૭૨૦૦૦ કરોડથી રૂપિયા ૭૫૦૦૦ કરોડની વચ્ચે રહેવા અપેક્ષા છે.
વર્તમાન નાણાં વર્ષમાં રિઝર્વ બેન્ક પાસેથી વાર્ષિક ડિવિડન્ડના રૂપમાં મોટો લાભ થઈ રહેવાની સરકાર આશા રાખી રહી છે.
નાણાં વર્ષ ૨૦૨૩માં ફોરેકસ વેપાર તથા બેન્કોને ધિરાણ પૂરા પાડીને રિઝર્વ બેન્કે નોંધપાત્ર નફો રળ્યો હોવાનું માનવામાં આવે છે.
લિક્વિડિટીની ખેંચને કારણે બેન્કોએ રિઝર્વ બેન્ક પાસેથી જંગી માત્રામાં નાણાં લેવાની ફરજ પડી હતી. બેન્કોને લોન્સ તથા એડવાન્સિસનો આંક રૂપિયા ૧.૬૫ લાખ કરોડ રહ્યો હતો. જાહેર ક્ષેત્રની બેન્કો તથા રિઝર્વ બેન્ક પાસેથી રૂપિયા ૪૮૦૦૦ કરોડ ડિવિડન્ડસ પેટે મળી રહેવાનો નાણાં વર્ષ ૨૦૨૪માં અંદાજ મૂકવામાં આવ્યો છે.
મોટી માત્રામાં ડોલરના વેચાણને જોતા રિઝર્વ બેન્ક તરફથી ઊંચુ ડિવિડન્ડ મળી રહેવા કેન્દ્રને અપેક્ષા છે.