આજકાલ દેશના તમામ મોટા શહેરોના જાણીતા બજારોમાં સ્થાનિક તેમજ ટુરીસ્ટોનો ધમધમાટ જોવા મળતો હોય છે. બજાર અને ગ્રાહક અનુભવ વિષય પર હાથ ધરાયેલ એક સર્વેના તારણમાં ગ્રાહકોના દ્રષ્ટિએ દેશમાં ખરીદી માટે બેંગલુરુનો એમ.જી. રોડ શ્રેષ્ઠ સ્થળ છે.
નાઈટ ફ્રેન્ક દ્વારા હાથ ધરાયેલ સર્વેના તારણ મુજબ ગ્રાહકોના મતે દિલ્હીનું ખાન માર્કેટ સૌથી મોંઘું બજાર છે. આ સર્વેમાં પાંચ અલગ અલગ પરિબળ ધ્યાનમાં રાખીને દેશમાં ખરીદી માટે શ્રેષ્ઠ પાંચ બજારના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
જેમાં ૩.૧૮ ઈન્ડેક્સ સાથે બેંગલુરુને એમજી રોડ પ્રથમ ક્રમાંકે છે. બીજા નંબરે ૨.૯૨ ઈન્ડેક્સ સાથે હૈદરાબાદનું સોમજીગુડા માર્કેટ છે. ૨.૭૧ ઈન્ડેક્સ સાથે ત્રીજા ક્રમે મુંબઈના લીંકીંગ રોડનું માર્કેટ છે. ૨.૫૭ ઈન્ડેક્સ સાથે દિલ્હીનું સાઊથ એક્સટેન્શન ભાગ ૧ અને બે ચોથા ક્રમે છે. જ્યારે કોલકાતાની પાર્ક એન્ડ કેમેક સ્ટ્રીટ ૨.૫૧ ઈન્ડેક્સ સાથે પાંચમા ક્રમે છે.
ગ્રાહકોની ખરીદીની રૂચિ અંગેની પ્રશ્નોત્તરીમાં દેશમાં ૮૬ ટકા ગ્રાહકો સ્થાનિક બજારમાં ખરીદીને પ્રાધાન્ય આપે છે. જો કે યુવા વર્ગ મોલને વધુ પ્રાધાન્ય આપે છે વૈશ્વિક સ્તરે ૩૧ ટકા ગ્રાહકો મોલને પ્રાધાન્ય આપે છે. જ્યારે ૧૪ ટકા લોકો સ્થાનિક બજારમાં જાય છે.
ભાડાની દ્રષ્ટિએ દિલ્હીના ખાન બજારમાં સૌથી ઊંચો ભાવ છે. આ માર્કેટમાં સ્કવેર ફૂટ દીઠ રૂ. ૧૦૦૦થી ૧૫૦૦નો ભાવ છે. આ યાદીમાં બીજા ક્રમે ગુડગાંવ રૂ. ૮૦૦થી ૧૨૦૦ના ભાવે અને મુંબઈ લીકીંગ રોડ રૂ. ૩૫૦થી ૧૦૦૦ના ભાવે ત્રીજા ક્રમે આવે છે.