મુંબઈ : શેર બ્રોકરો માટે બિઝનેસ કરવાનું વધુ કઠીન બનશે એટલે કે શેર બ્રોકરોએ પોતાની કાર્યકારી મૂડીની જરૂરીયાત વધશે. ગ્રાહકોના ફંડને ગીરવે મૂકી એટલે કે પ્લેજ કરીને બેંક ગેરંટી ઊભી કરવાની શેર બ્રોકરોની પ્રવૃતિ પર મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ પ્રતિબંધ મૂક્યો છે.
સેબીએ એક સર્કયુલર થકી જણાવ્યું છે કે, શેર બ્રોકરો હવે બેંક ગેરંટી ઊભી કરવા માટે ગ્રાહકોના ફંડનો ઉપયોગ કરી શકશે નહીં. વર્તમાન પ્રવર્તતી પ્રણાલી મુજબ શેર બ્રોકરો અને ક્લિયરીંગ મેમ્બરો ગ્રાહકના ફંડને બેંકોમાં પ્લેજ-ગીરવે મૂકીને તેમની વધુ મૂડીની આવશ્યકતા માટે ક્લિયરીંગ કોર્પોરેશનોને બેંક ગેરંટીઓ ઈસ્યુ કરે છે.
મૂડી બજાર નિયામક તંત્રએ આદેશ આપ્યો છે કે, મે મહિનાની શરૂઆતથી શેર બ્રોકરો અને ક્લિયરીંગ મેમ્બરો દ્વારા ગ્રાહકોના ફંડોનો ઉપયોગ કરીને કોઈ બેંક ગેરંટી ઊભી કરી શકાશે નહીં. જ્યારે અત્યારે જે પણ આ પ્રકારની બેંક ગેરંટીઓ છે એ આ વર્ષના ૩૦,સપ્ટેમ્બર સુધીમાં સમેટી લેવાની રહેશે.
આ સાથે સેબીએ સ્પષ્ટતા કરી છે કે, આ માળખાની જોગવાઈઓ શેર બ્રોકરો અને ક્લિયરીંગ મેમ્બરો દ્વારા કોઈપણ સેગ્મેન્ટમાં પ્રોપરાઈટરી ફંડ્સ માટે લાગુ થશે નહીં. આ સાથે શેર બ્રોકર દ્વારા ગ્રાહકની ક્ષમતામાં કોઈપણ પ્રોપરાઈટરી ફંડને ક્લિયરીંગ મેમ્બર સાથે જમા કરવા માટે પણ આ સર્કયુલરની જોગવાઈઓ લાગુ પડશે નહીં.
આ ઉપરાંત સેબીએ સ્ટોક એક્સચેન્જો અને ક્લિયરીંગ કોર્પોરેશનો પર વધારાની દેખરેખ-મોનીટરીંગ અને રીપોર્ટિંગની જવાબદારી લાદી છે. ૧,જૂન ૨૦૨૩થી એક્સચેન્જો અને ક્લિયરીંગ કોર્પોરેશનોએ કોલેટરલ આંકડા રજૂ કરવાના રહેશે.
હવેથી શેર બ્રોકરો અને ક્લિયરીંગ મેમ્બરોને આ મેકેનિઝમ અમલી બનાવાયું હોવાનું પ્રમાણિત કરતું ઓડિટર દ્વારા ઈસ્યુ કરાયેલું સર્ટિફિકેટ પણ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સર્ટફિકેટ ૧૬,ઓકટોબર ૨૦૨૩ સુધીમાં સ્ટોક એક્સચેન્જો અથવા ક્લિયરીંગ કોર્પોરેશનોને રજૂ કરવાનું રહેશે.