5 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઈન્ડિયા ફોરેક્સ રિઝર્વમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ 719 કરોડ ડોલરના ઉછાળા સાથે 595.97 અબજ ડોલરના સ્તર પર પહોંચી ગયું છે. આ અગાઉ 28 એપ્રિલ, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં 588.78 બિલિયન ડોલર હતું. જો ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ટૂંક સમયમાં તે 600 બિલિયન ડોલરના સ્તરને પાર કરી શકે છે.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર વિદેશી ચલણની સંપત્તિમાં 6.53 બિલિયન ડોલરનો વધારો થયો છે અને તે વધીને 526.02 બિલિયન ડોલર થઈ ગયો છે.
સોનાના ભંડારમાં પણ વધારો થયો છે અને તે 5.2 બિલિયન ડોલરના ઉછાળા સાથે 52.67 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન IMF માં અનામત 5.19 બિલિયન ડોલર રહ્યું હતું. વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે પરંતુ તે હજુ પણ તેની ઐતિહાસિક ઊંચાઈ કરતા 49 બિલિયન ડોલર ઓછો છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી મુદ્રા ભંડાર 645 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.
ઑક્ટોબર 2021 થી વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો હતો. ડોલર સામે રૂપિયામાં ચાલી રહેલી નબળાઈને રોકવા માટે આરબીઆઈએ તેના ફંડમાંથી ડોલર વેચવા પડ્યા હતા, જે ઘટીને 525 બિલિયન ડોલરના સ્તરે આવી ગયા હતા. પરંતુ વિદેશી રોકાણકારો ભારત પરત ફરી રહ્યા છે. વિદેશી રોકાણ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણમાં તેજીને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.
એપ્રિલ મહિનામાં નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે જો વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થશે, તો તે મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરશે. આ પહેલા શુક્રવારે 12 મેના રોજ ડોલર સામે રૂપિયો 6 પૈસાની નબળાઈ સાથે 82.16 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.