IPL 2023 ની સિઝન જબરદસ્ત રોમાંચ સાથે આગળ વધી રહી છે. સિઝન અડધાથી પણ આગળ વધી ચુકી છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટરો શાનદાર દેખાવ કરી રહ્યા છે અને રિંકૂ સિંહ જેવા ખેલાડી નવા સ્ટાર તરીકે ઉભરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પુજારા ઈંગ્લેન્ડમાં રંગ જમાવી રહ્યો છે. પુજારાએ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટમાં વધુ એક સદી નોંધાવી છે. આમ જૂન મહિનામાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા પુજારાએ સારા સંકેત આપ્યા છે.
પુજારા હાલમાં ઈંગ્લેન્ડમાં છે અને જ્યાં તે સસેક્સ કાઉન્ટી માટે રમી રહ્યો છે. જ્યાં તેણે વધુ એક સદી નોંધાવી છે. ભારતીય ક્રિકેટ માટે આ સારા સમાચાર છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં જ રમાનારી છે અને જ્યાં પુજારા શાનદાર રમત દર્શાવી રહ્યો છે. પુજારા ભારતીય ટેસ્ટ ટીમનો મહત્વનો ખેલાડી છે.
જૂન મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનમા ટેસ્ટ મેચની ટક્કર થનારી છે. આ ટક્કર જબરદસ્ત બની રહેનારી છે. કારણ કે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ ફાઈનલ મેચ છે. જે લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાનારી છે. આ પહેલા જ હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે દિવાલ સમાન ખેલાડી ચેતેશ્વર પુજારા સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
સસેક્સ માટે સુકાન સંભાળી રહેલા પુજારાએ શનિવારે ગ્લૂસ્ટર સામે સદી નોંધાવી હતી. મેચના બીજા દિવસની રમતના અંતે પુજારા 99 રન સાથે નોટ આઉટ પરત ફર્યો હતો. ત્રીજા દિવસની રમતની શરુઆતે જ પુજારાએ સિંગલ રન લઈને સદી નોંધાવી હતી. પુજારાએ 238 બોલનો સામનો કરીને 151 રન નોંધાવ્યા હતા. જેમાં 20 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.
ગ્લૂસ્ટર સામે પુજારાએ 191 બોલનો સામનો કરીને સદી નોંધાવી હતી. સિઝનમાં પુજારાના બેટથી આ બીજી સદી નોંધાઈ છે. પુજારા સિઝનની પ્રથમ મેચમાં સદી નોંધાવી હતી. સસેક્સ માટે જ્યારે પણ ગત અને વર્તમાન સિઝનમાં પુજારાએ 50 રનનો આંકડો પાર કર્યો છે, તેને સદીમાં બદલવામાં સફળ રહ્યો છે.
કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2 માં સસેક્સ માટે ચેતેશ્વર પુજારા બીજી સિઝન રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તે બે વાર બેવડી સદી નોંધાવી ચુક્યો છે. આમ બેવડી સદી સાથે 5 સદીી ચેતેશ્વર પુજારા અત્યાર સુધીમાં નોંધાવી ચુક્યો છે. નવી સિઝનમાં પુજારા સસેક્સ ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. પુજારાએ કેપ્ટનશિપ નિભાવતા ત્રણ મેચ રમીને બે વાર સદી નોંધાવવામાં સફળ રહ્યો છે.