IPLની 16મી સિઝનમાં લીગ રાઉન્ડની અડધી મેચો પૂરી થઈ ગઈ છે. અત્યાર સુધી રમાયેલી 35 મેચો બાદ ચેન્નઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ અને ગુજરાત ટાઇટન્સ બીજા સ્થાને છે. જયારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમ 10માં સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ સરખા પોઈન્ટ ધરાવે છે.
IPLની આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ પ્રભુત્વ જમાવ્યું છે. 35 મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 20 વખત જીતી છે. આ સીઝનના 15 મેચમાં જે ટીમે રન ચેઝ કર્યા હતા તે ટીમે મેચ જીતી હતી જ્યારે ટોસ હારનારી ટીમ 20 મેચ જીતી છે. IPLની 16મી સિઝનમાં 15 ઇનિંગ્સમાં 200થી વધુ રન બન્યા છે. આ 35 મેચોમાં માત્ર બે વખત જ પ્રથમ બેટિંગ કરનારી ટીમ 200થી વધુ રન બનાવ્યા બાદ મેચ હારી છે.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની જીત બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી બીજા નંબર પર પહોંચી ગઈ છે. ગુજરાતને સાત મેચમાંથી પાંચમાં વિજય મેળવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના પણ સાતમાંથી પાંચ મેચ જીતી છે. ચેન્નઈ સારા નેટ રનરેટના કારણે ટોપ પર છે. રાજસ્થાન, લખનઉ, બેંગ્લોર અને પંજાબના આઠ-આઠ પોઈન્ટ છે. આ સીઝનમાં સારી નેટ રનરેટ હોવાના કારણે રાજસ્થાન અને લખનઉ પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને છે.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ રન ડુપ્લેસીસે બનાવ્યા છે. તેણે સાત મેચમાં 405 રન બનાવ્યા છે. આ સીઝનમાં ઓરેન્જ કેપની રેસમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ડેવોન કોનવે બીજા, દિલ્હી કેપિટલ્સનો ડેવિડ વોર્નર ત્રીજા, ગુજરાતનો શુભમન ગિલ ચોથા અને બેંગ્લોરનો વિરાટ કોહલી પાંચમા નંબરે છે.
ગુજરાત ટાઇટન્સના સ્ટાર સ્પિનર રાશિદ ખાન પર્પલ કેપ ધરાવે છે. તેણે સાત મેચમાં સૌથી વધુ 14 વિકેટ ઝડપી છે. આ મામલે RCBના મોહમ્મદ સિરાજ બીજા, પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ ત્રીજા, રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ ચોથા અને ચેન્નઈ સુપર કિંગ્સના તુષાર દેશપાંડે પાંચમા નંબરે છે.