IPLમાંથી નિવૃતિની અટકળો વચ્ચે આજે ધોનીએ મોટી વાત કહી હતી. સતત એવી ચર્ચા ચાલી રહી છે કે IPL 2023 તેની છેલ્લી IPL હશે. જે અંગે બુધવારે લખનૌ સામે ટોસ જીત્યા બાદ માહીએ આ અંગે વાત કરી હતી. ધોનીએ બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ટોસ બાદ કહ્યું કે તેણે હજુ સુધી નક્કી નથી કર્યું કે આ તેની છેલ્લી IPL હશે કે નહીં.
લખનૌમાં LSG સામે ટોસ સમયે ડેની મોરિસને ધોનીને પૂછ્યું કે શું આ તેની છેલ્લી IPL સિઝન છે, ત્યારે ધોનીએ કહ્યું કે આ નિર્ણય તમે લીધો છે. ધોની IPLની શરૂઆતથી જ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ IPLમાંથી પણ તેની નિવૃત્તિની છેલ્લા કેટલાક સમયથી સતત અટકળો ચાલી રહી છે.
વર્ષ 2020ની 15 ઓગસ્ટના દિવસે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ ધોનીએ IPLમાં રમવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2020માં પણ IPL મેચમાં ટોસ દરમિયાન ધોનીને નિવૃત્તિ અંગે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે ધોનીએ આ વાતને નકારી કાઢી હતી. જે બાદ ધોની તે પછી 2021 અને 2022 બંને સિઝનમાં રમ્યો અને IPL 2021માં ટીમને ચોથી વખત ચેમ્પિયન પણ બનાવી હતી.
આ વર્ષે પણ ધોનીની ટીમ IPLમાં સારું પ્રદર્શન કરી રહી છે અને પ્લેઓફમાં પ્રવેશવા તરફ આગળ વધી રહી છે. જોકે ધોનીનું પ્રદર્શન આ વર્ષે સામાન્ય રહ્યું છે. તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ હજી સુધી આ સિઝનમાં આવી નથી. છતાં ધોનીનો જુસ્સો અને મેદાનમાં સ્ફૂર્તિ પહેલી સિઝન જેવી જ છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આગામી સિઝનમાં પણ ધોની પોતાનો જલવો બતાવી શકે છે.
IPLની સિઝન શરૂ થતાં પહેલા અને ચાલુ સિઝન દરમિયાન પણ હંમેશા ધોનીની નિવૃતિ અંગે અટકળો ચાલતી જ હોય છે, છતાં ધોની તેની નેચરલ ગેમથી ચન્નાઈ સુપર કિંગ્સને જીતાડી અને દર્શકોને મનોરંજન પૂરું પાડતો રહે છે. આ વર્ષે પણ તેને આ જ સવાલ કરવામાં આવ્યો હતો.ધોનીએ ગત સિઝનમાં નિવૃત્તિ અંગે કહ્યું હતું કે તે ચેન્નાઈના પ્રશંસકોની સામે IPLને અલવિદા કહેશે. જે બાદ આ વર્ષે ધોનીએ નિવૃત્તિ વિશે ફરી કહ્યું છે કે તેણે આ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. એટલે કે તે આવતા વર્ષે પણ IPLમાં રમતો દેખાઈ શકે છે.