ઈંગ્લેન્ડના છ સ્ટાર ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરેથી નિવૃત્તિ લઈને આખુ વર્ષ ફ્રેન્ચાઈઝી તરફથી જ રમતાં રહેવા માટે વાર્ષિક ૫૦ લાખ પાઉન્ડ (આશરે રૂપિયા ૫૧ કરોડ)ની લોભામણી ઓફર આઇપીએલના કેટલાક ફ્રેન્ચાઈઝી માલિકોએ આપી હોવાનો ઘટસ્ફોટ એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ જણાવે છે કે, વિવિધ દેશોની લીગમાં ટીમ ધરાવતા કેટલાક ફ્રેન્ચાઈઝી માલિકોએ ઈંગ્લેન્ડના છ ખેલાડીઓનો સંપર્ક સાધ્યો હતો અને તેમને વાર્ષિક કોન્ટ્રાક્ટની દિશામાં વિચારણા કરવા માટે જણાવ્યું હતુ. જો આમ થાય તો આગામી સમયમાં માત્ર ક્રિકેટ લીગની જ બોલબાલા રહેશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હાંસિયામાં ધકેલાઈ જશે.
આઇપીએલની લગભગ તમામ ફ્રેન્ચાઈઝીના માલિકો વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા, યુએઈ અને અમેરિકાની લીગમાં જુદી-જુદી ટીમોનો માલિકી હક્ક ધરાવે છે. ઈંગ્લેન્ડના ટાઈમ્સ લંડનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલીક ફ્રેન્ચાઈઝીના માલિકોએ ઓછામાં ઓછા ઈંગ્લેન્ડના છ ખેલાડીઓનો સંપર્ક સાધ્યો હતો. જેમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ પણ હતા. તેમને પૂછવામાં આવ્યું હતુ કે, શું તેઓ ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ અને ઈંગ્લિશ કાઉન્ટીના મુખ્ય પગારદાર રહેવાને બદલે આઇપીએલની ફ્રેન્ચાઈઝીને તેમના મુખ્ય એમ્પલોયર (નોકરીદાતા) બનાવવા ઈચ્છે છે કે કેમ.
રિપોર્ટ જણાવે છે કે, વિવિધ ક્રિકેટર્સ યુનિયનોમાં પણ ૧૨ મહિનાના ફ્રેન્ચાઈઝીના કરારના અમલ અંગે ચર્ચા ચાલી રહી છે. જો આમ થાય તો ફૂટબોલની જેમ ક્રિકેટમાં પણ ખેલાડીઓનો મુખ્ય કોન્ટ્રાક્ટ ફ્રેન્ચાઈઝી સાથે રહેશે અને સમયાંતરે તેઓ ખેલાડીને આંતરરાષ્ટ્રીય મેચીસ માટે રિલીઝ કરશે. ચાલુ વર્ષના અંત સુધીમાં કરારની ઓફરો પણ શરૂ થઈ જાય તેવી શક્યતા છે.