રાજસ્થાન રોયલ્સની ટીમે જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ 2023ની 37મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સને 32 રનથી માત આપી હતી. સંજૂ સેમસનના નેતૃત્વવાળી ટીમ આ જીત સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઇ છે. જ્યારે સીએસકેની ટીમ હવે ત્રીજા સ્થાન પર છે.
આ સીઝનમાં ધોની અને સેમસન બીજી વખત આમને સામને આવ્યા હતા. બંને મેચમાં યુવા ખેલાડી સેમસનની ટીમ ધોનીની ટીમ પર ભારે પડી છે. પ્રથમ મેચમાં રાજસ્થાને ત્રણ વિકેટથી જીત મેળવી હતી. હવે હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાને 32 રનથી જીત મેળવી.
છેલ્લી 4 આઇપીએલ સીઝનની વાત કરીએ તો 6 મેચમાં સંજૂ સેમસન ચેન્નઇ પર ભારે પડયો છે. ધોનીની ટીમ ફક્ત એક વખત જીત મેળવવામાં સફળ રહી છે. વર્ષ 2021માં મુંબઇમાં રમાયેલ મેચમાં ધોનીની ટીમ 45 રનથી જીતી હતી.
વર્ષ 2020માં બંને મેચ રાજસ્થાને જીત મેળવી હતી. 2021માં બે મેચમાંથી એકમાં ચેન્નઇને જીત મળી હતી તો બીજી મેચમાં સંજૂની ટીમ વિજેતા રહી હતી. 2022માં 10 ટીમોના આઇપીએલમાં ચેન્નઇ અને રાજસ્થાન ફક્ત એક જ વખત આમને સામને થયા હતા. આ મેચમાં રાજસ્થાને બાજી મારી હતી.
16મી સીઝનમાં બંને મેચ રાજસ્થાનની ટીમે જીતી છે. જોકે વર્ષ 2008થી અત્યાર સુધી રાજસ્થાન રોયલ્સ અને ચૈન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મેચના ઇતિહાસ પર નજર કરીએ તો આ મામલામાં ધોની જ આગળ છે. કુલ 28 મેચમાં 15 મેચમાં ચૈન્નઇ તો 13 મેચમાં રાજસ્થાન વિજેતા રહી છે.