IPL 2023ની શરૂઆત 31 માર્ચે થઈ હતી અને તેની ફાઈનલ મેચ 28 મેના રોજ યોજાશે. IPL 2023ની સીઝન જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધી રહ્યો છે. આ વચ્ચે કેટલાક દિગ્ગજ ખેલાડીને લઈને સમાચાર આવી રહ્યા છે કે તેઓ IPL 2023ને અધવચ્ચેથી જ છોડી દેશે. આ પાછળનું કારણ WTC ફાઈનલ મેચ છે.
IPL 2023ને રોહિત-કોહલી સહિતના દિગ્ગજ ખેલાડીઓ અધવચ્ચેથી છોડી દેશે તેવી માહિતી મળી રહી છે. IPL બાદ તરત જ ભારતીય ટેસ્ટ ટીમ WTCની ફાઈનલ મેચ રમવા ઈંગ્લેન્ડ જશે. BCCIએ WTC ફાઈનલ માટે 15 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ 15 ખેલાડીઓ IPLમાં જે પણ ટીમમાં છે જો તે ટીમ પ્લે-ઓફમાં ક્વોલિફાય નહીં થાય તો આ ખેલાડીઓ IPL માંથી સીધા જ WTC ફાઈનલ માટે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ જશે. આ ખેલાડીઓ ઈંગ્લેન્ડ પહોંચીને ત્યાની કન્ડિશનને અનુરુપ અભ્યાસ શરુ કરશે.
IPL 2023માં અત્યાર સુધીમાં કુલ 36 મેચ રમાઈ છે. આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ જેવી ટીમોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સની ટીમોએ અત્યાર સુધી ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. IPL 2023 મુંબઈ ઈન્ડિયન્સ, RCB, KKR જેવી ટીમો લગભગ ક્વોલિફાય થવાની શક્યતા નહીવત છે ત્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, મહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર જેવા ખેલાડીઓ IPL સમાપન પહેલા જ ઈંગ્લેન્ડ જવા રવાના થઈ જશે.
BCCIએ અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી પરંતુ એવી સંભાવના છે કે જો ભારતીય ટેસ્ટ ટીમના ખેલાડીઓની ટીમ જો IPLના પ્લેઓફમાં ક્વોલિફાય નહીં થાય તો તે ખેલાડીઓને WTCને ધ્યાનમાં રાખીને તેમને ઈંગ્લેન્ડ મોકલવામાં આવશે. આ વર્ષે WTCની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાનાર છે. આ ફાઈનલ મેચ 7 જૂનથી 11 જૂન સુધી રમાશે. જો કે 7થી 11 જૂન વચ્ચે કોઈ દિવસ વરસાદના કારણે અથવા અન્ય કોઈ કારણથી જો રમતમાં કોઈ વિક્ષેપ આવે તો 12મી જૂન એ સમય માટે અનામત દિવસ તરીકે રાખવામાં આવ્યો છે.