આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) દ્વારા બળજબરીથી ધર્માંતરણ અને મહિલાઓની ભરતી પરની વિચારપ્રેરક ફિલ્મ ધ કેરલ સ્ટોરી એ ભારતમાં રિલીઝ થયા પછી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છેે અને બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે. ે માત્ર નવ દિવસમાં, ફિલ્મે રૂા. ૧૧૨.૯૯ કરોડની પ્રભાવશાળી કમાણી કરી છે હોવાનું ફિલ્મના નિર્માતાઓ દ્વારા જણાવાયું છે.
સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત અને અદા શર્મા અભિનીત આ ફિલ્મ દેશના રાજકીય લેન્ડસ્કેપમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. અમુક રાજ્યોમાં તેના પર પ્રતિબંધ લાગ્યો છે તો અમુક રાજ્યમાં તેને ટેક્સફ્રી જાહેર કરાઈ છે. ધી કેરળ સ્ટોરી પાંચમી મેના રોજ થિયેટરોમાં રજૂ થઈ હતી અને ત્યારથી સમગ્ર દેશમાં ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બની છે.
શનિવારે ફિલ્મના કુલ બોક્સ ઓફિસ કલેક્શનમાં રૂા. ૧૯.૫ કરોડનો નોંધપાત્ર ઉમેરો થયો હતો. ભારતમાં સફળ થવા સાથે ધી કેરળ સ્ટોરી ૧૨મી મેના રોજ ૩૭ અન્ય દેશોમાં પણ રિલીઝ થઈને વૈશ્વિક દર્શકો સુધી પહોંચી છે.
વિપુલ શાહ નિર્મિત આ ફિલ્મમાં બળજબરી અને છેતરપિંડીથી ધર્માંતરનો ભોગ બનેલી અને ત્યારબાદ આતંકી સંગઠનમાં જોડાવવાની ફરજ પડાયેલી કેરળની મહિલાઓની દુર્દશા દર્શાવવામાં આવી છે. એક તરફ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો તમિલ નાડુમાં મલ્ટીપ્લેક્સોએ કાયદો અને વ્યવસ્થાના બહાને ફિલ્મ દર્શાવવાનું બંધ કર્યું છે. એનાથી વિપરીત ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં ફિલ્મને કરમુક્ત જાહેર કરાઈ છે.
આ બાબતના મહત્વને ઓળખીને સુપ્રીમ કોર્ટે દખલગીરી કરીને પશ્ચિમ બંગાળ અને તમિલ નાડુ સરકારો પાસેથી આ રાજ્યોમાં રજૂઆત અયોગ્ય રીતે નકારવામાં આવી હોવાની નિર્માતાઓની અરજીનો જવાબ આપવા જણાવ્યું હતું.
ધર્મ પરિવર્તન અને તેની અસરો વિશે મહત્વની ચર્ચાને પ્રોત્સાહન આપીને ધી કેરળ સ્ટોરીએ દર્શકોને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે. બોક્સ ઓફિસ પર પ્રભાવશાળી પ્રદર્શન સમકાલીન સોસાયટીમાં ફિલ્મની અસર અને સુસંગતતાનો બોલતો પુરાવો છે.