મહારાષ્ટ્રના પૂણેમાં ગઈકાલે રાત્રે પોલીસે એ.આર.રહેમાનના મ્યુઝિક કોન્સર્ટને અટકાવ્યો હતો. રાત્રે 10 વાગ્યા પછી કોન્સર્ટની પરવાનગી નહોતી. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓ કોન્સર્ટમાં પહોંચ્યા અને ત્યાં સ્ટેજ પર જઈને શો બંધ કરી દીધો. જ્યારે પોલીસ સ્ટેજ પર પહોંચી ત્યારે એઆર રહેમાન ત્યાં પરફોર્મ કરી રહ્યો હતો.
એઆર રહેમાનનો આ કોન્સર્ટ પૂણેના રાજા બહાદુર મિલ વિસ્તારમાં થઈ રહ્યો હતો. ઓસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયકની મ્યુઝિકલ નાઈટના સાક્ષી બનવા માટે હજારો લોકો ત્યાં હાજર હતા. કોન્સર્ટમાં જ્યારે લોકો રહેમાનના ગીતો પર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં પહોંચી ગઈ અને શો બંધ કરી દીધો.
ફોટોમાં એ પણ જોઈ શકાય છે કે, એઆર રહેમાન માઈક સાથે સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા છે. આ દરમિયાન, એક પોલીસ અધિકારી મંચ પર ચડતો જોવા મળે છે અને પોલીસ કાર્યક્રમને રોકવાનો સંકેત આપે છે. પોલીસે શો બંધ કર્યા બાદ એઆર રહેમાન બેકસ્ટેજ ગયા અને કાર્યક્રમ બંધ થઈ ગયો.
પોલીસ દ્વારા શો રોકવા અંગે એઆર રહેમાન તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. જોકે, તેણે ઈન્સ્ટાગ્રામ પર પુણેમાં તેના શોના કેટલાક ફોટો ચોક્કસથી શેર કર્યા છે. તેણે પોસ્ટમાં કહ્યું કે ટૂંક સમયમાં તે ફરીથી ત્યાં આવશે અને લોકો માટે ગીત ગાશે.તમને જણાવી દઈએ કે પૂણેમાં આયોજિત આ કોન્સર્ટમાં બિગ બોસ ફેમ સિંગર અબ્દુ રોજિકે પણ પરફોર્મ કર્યું હતું. અબ્દુએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટો અને વીડિયો પણ શેર કર્યા છે. તેણે શિવ ઠાકરે સાથેનો વીડિયો પણ શેર કર્યો છે.