એક તરફ જ્યાં ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ યાત્રા દરમિયાન મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કેદારનાથ યાત્રા દરમિયાન 24 શ્રદ્ધાળુઓના મોત થયા છે. જેમાં 6 મહિલા અને 18 પુરૂષો સામેલ છે. કેદારનાથ ધામની યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.
સ્થળે-સ્થળે કેદારનાથ પદયાત્રા માર્ગથી લઈને રોડ માર્ગ પર 5 કિમીના અંતરે નાની મોટી હોસ્પિટલોથી લઈને નાના કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. જેથી યાત્રીઓના ચેકઅપ સમયસર થઈ શકે અને ઝડપી સારવાર મળી શકે.
પરંતુ તો પણ 23 દિવસમાં 24 લોકોના મોત થયા છે. મોટાભાગના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, જ્યારે આરોગ્ય વિભાગ આટલા બધા દાવા કરી રહ્યું છે અને કેદારનાથથી લઈને સોનપ્રયાગ, ગૌરીકુંડ સુધી પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલો ખોલી દેવામાં આવી છે અને દરેક જગ્યાએ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે તો પછી આટલા મૃત્યુ કઈ રીતે? બીજી તરફ મુખ્ય વિકાસ અધિકારી નરેશ કુમારનું કહેવું છે કે, આરોગ્ય વિભાગ તમામ પ્રયાસો કરી રહ્યું છે.
રાજ્યમાં બદલાતા હવામાન અને હાર્ટ એટેકથી શ્રદ્ધાળુઓના સતત મૃત્યુ બાદ ધામી સરકારે ચારધામ યાત્રાને લગતી એક એડવાઈઝરી જારી કરી છે. એડવાઈઝરી પ્રમાણે ભક્તોને યાત્રા શરૂ કરતા પહેલા તેમનું સંપૂર્ણ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ છે કે, મંદિર ઉંચાઈ પર આવેલું છે. મંદિર એટલી ઉંચાઈ પર છે કે લોકોને ઠંડી, ઓછી ભેજ અને ઓછા ઓક્સિજનને કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે તેથી એવા જ લોકોએ યાત્રા પર જવુ જે સંપૂર્ણપણે સ્વસ્થ છે.