ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે કર્ણાટક ચૂંટણી માટે તેમની પાર્ટીનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ અને પાર્ટીના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા પણ હાજર હતા. ભાજપના મેનિફેસ્ટોમાં રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનું વચન આપવામાં આવ્યું છે. તેમજ મેનિફેસ્ટોમાં સાત ‘A’નું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સાત ‘A’માં- Anna, Akshara, Aarogya, Abhivruddhi, Aadaya અને Abhayaનું સમાવેશ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં કર્ણાટકમાં પણ એનઆરસી અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો વાયદો કર્યો છે. તેમજ પીએફઆઈ સહિત અન્ય જેહાદી સંગઠનો પર પ્રતિબંધનો વાયદો કર્યો.
આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારકોને ત્રણ મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાનું વચન આપવામાં આવ્યું છે. પોષણ યોજના હેઠળ દરેક બીપીએલ કાર્ડ ધારક પરિવારને અડધો લિટર દૂધ અને દરેક વોર્ડમાં અટલ આહાર કેન્દ્ર સ્થાપવાનું વચન પણ આપવામાં આવ્યું છે. ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે રાજ્યમાં ગરીબો માટે 10 લાખ મકાનો આપવાનું વચન પણ આપ્યું છે. આ ઉપરાંત સામાજિક ન્યાય ભંડોળ યોજના હેઠળ SC-ST મહિલાઓને 5 વર્ષ માટે 10,000 રૂપિયાની FDનું વચન આપવામાં આવ્યું છે.
આ મુખ્ય જાહેરાતો કરાઈ….
1. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાના અમલ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.
2. રાજ્યના 10 લાખ બેઘર લોકોને રહેવા માટે ઘર આપવામાં આવશે.
3. મહિલાઓ, એસસી, એસટીના મકાનો માટે પાંચ વર્ષ દસ હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝીટ કરવામાં આવશે.
4. સરકારી શાળાઓને વિશ્વ કક્ષાના ધોરણો મુજબ અપગ્રેડ કરવામાં આવશે.
5. વરિષ્ઠ નાગરિકો માટે દર વર્ષે મફત આરોગ્ય તપાસની સુવિધા આપવામાં આવશે.
6. કલ્યાણ સર્કિટ, બનવાસી સર્કિટ, પરશુરામ સર્કિટ, કાવેરી સર્કિટ, ગંગાપુરા સર્કિટના વિકાસ માટે 1500 કરોડ રૂપિયા આપવામાં આવશે.
7. શહેરી ગરીબો માટે પાંચ લાખ મકાનો આપવાનું વચન આપ્યું હતું.
8. મફત ભોજન માટે અટલ આહાર કેન્દ્ર ખુલશે.
9. વોક્કાલિંગા અને લિંગાયત માટે આરક્ષણમાં બે-બે ટકાનો વધારો થયો છે.
10. ત્રણ લાખ મહિલાઓને મફત બસ પાસ મળશે.
11. બેટા કુરબા, સિદ્દી, તલવારા અને પરિવારા સમુદાયોને આદિવાસી યાદીમાં સામેલ કરવામાં આવશે.
12. PFI અને અન્ય જેહાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
13. કર્ણાટકમાં NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન) લાગુ કરવામાં આવશે અને ગેરકાયદેસર શરણાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.