અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા ભારત સામે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે કેટલાક આક્ષેપો કરતો અહેવાલ જારી કરાયો હતો. જોકે ભારતે આ આરોપોને સદંતર ફગાવી દીધા છે અને અહેવાલને પ્રેરિત અને પક્ષપાતી ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આવા અહેવાલો ખોટી માહિતી અને ખામીયુક્ત સમજ પર આધારિત છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અંગે અમેરિકી વિદેશ મંત્રાલયના 2022ના રિપોર્ટથી વાકેફ છીએ. દુર્ભાગ્યપૂર્ણ રીતે આવા અહેવાલો હજી પણ ખોટી માહિતી અને ગેરસમજ પર આધારિત છે. બીજી બાજુ અમેરિકી વિદેશ વિભાગે રિપોર્ટના સંદર્ભમાં મીડિયા સાથેની વાતચીતમાં ભારત વિશે કહ્યું હતું કે અહીં ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચાર ચાલુ છે અને અમેરિકી સરકાર આ અંગે ભારત સરકારને ચેતવણી આપતી રહેશે.
તેમણે જણાવ્યું હતું કે કેટલાક અમેરિકી અધિકારીઓ દ્વારા પ્રેરિત અને પક્ષપાતી ટિપ્પણીઓ માત્ર આ અહેવાલની વિશ્વસનીયતાને નબળી પાડે છે. અમે અમેરિકા સાથેની અમારી ભાગીદારીને મહત્ત્વ આપીએ છીએ અને અમે ચિંતાજનક મુદ્દાઓ અંગે ખુલીને વાત કરવાનું ચાલુ રાખીશું. વિશ્વભરના દેશોમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિનું દસ્તાવેજીકરણ કરતો અહેવાલ સોમવારે બહાર પાડવામાં આવ્યો હતો.