રેલવેએ સેનાની અગ્નિપથ યોજના હેઠળ સેવાનિવૃત્ત અગ્નિવીરોને પોતાના વિભિન્ન વિભાગો હેઠળ ડાયરેક્ટ ભરતીમાં ૧૫ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત અગ્નિવીરોને ઉંમરની મર્યાદા અને શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રેલવે સુરક્ષા દળ (આરપીએફ)માં પણ અગ્નિવીરો માટે એક અનામત નીતિ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે.
રેલવે અગ્નિવીરોને લેવલ-૧ અને લેવલ-૨ના પદો માટે અનુક્રમે ૧૦ ટકા અને૫ ટકા હોરિઝોન્ટલ અનામત પ્રદાન કરશે. અગ્નિવીરની પ્રથમ બેન્ચને નક્કી ઉંમર મર્યાદાથી પાંચ વર્ષ જ્યારે પછીની બેન્ચને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અનેક કેન્દ્રીય મંત્રાલય, રાજ્ય સરકાર અને ઉદ્યોગો પૂર્વ અગ્નિવીરો માટે અનામતની જોગવાઇ કરી રહ્યાં છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગયા વર્ષથી શરૃ કરવામાં આવેલ અગ્નિપથ ભરતી યોજના હેઠળ ચાર વર્ષ પૂર્ણ થયા પછી ૨૫ ટકા અગ્નિવીરોને સેનામાં નોકરીમાં રાખવામાં આવશે જ્યારે બાકીના ૭૫ ટકા અગ્નિવીરોને સેવા નિવૃત્ત કરી દેવામાં આવશે.