કેન્દ્ર સરકારે ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટને આશ્વાસન આપ્યું કે તે પાંચ જૂલાઈ સુધી `ફેક્ટ ચેક’ એકમના નિર્માણની કોઈ ગતિવિધિ નહીં કરે, જે અંતર્ગત સરકારને કોઈ પણ સંદર્ભે ખોટી કે નકલી ઓનલાઈન ખબરોની ઓળખ કરવા અને ટેગ કરવા માટે માહિતી-ટેકનોલોજી નિયમ અંતર્ગત અધિકાર પ્રાપ્ત છે.
માહિતી ટેકનોલોજી નિયમ 2021માં તાજેતરમાં કરાયેલા સંશોધનોને પડકારતી સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરાની અરજીના જવાબમાં જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠ સમક્ષ આવુ નિવેદન રજૂ કરાયુ છે. મુંબઈ હાઈકોર્ટે કેન્દ્ર સરકારના આશ્વાસનનો સ્વીકાર કર્યો અને પીઠે કહ્યં કે ફેક્ટ ચેક એકમના અભાવે સંશોધિત નિયમો નિક્રિય થઈ જશે, તે માટે નિયમો પર રોક લગાવવાની માગ કરતી કામરાની અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂર નથી. અરજીમાં કામરાએ સંશોધિત નિયમોની બંધારણિય કાયદેસરતાને પડકારી છે. ખંડપીઠે અરજી પર આગામી સુનાવણી 8 જૂને નિર્ધારિત કરી છે.
ગુરુવારે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી રજૂ થયેલા સોલિસિટર જનરલ અનિલ સિંહે હાઈકોર્ટને કહ્યં કે ફેકટ ચેક એકમને પ જૂલાઈ, 2023 સુધી અધિસૂચિત કરવામાં નહીં આવે, જેથી કોર્ટ જૂનમાં આ મામલાની સુનાવણી કરી શકે. કામરાના વકીલે તુરંત સુનાવણીની માગ કરતાં કહ્યં હતુ કે સંશોધિત નિયમો અંગે આશંકાઓ યથાવત રહેશે. જો કે કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ફેકટ ચેક એકમ ઘડવામાં ન આવે કે અધિસૂચિત ન થાય ત્યાં સુધી સંશોધિત નિયમો બિનઅસરકારક રહેશે.