મહારાષ્ટ્રના પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભૂતકાળમાં કેટલાક લોકોના ટોળાએ બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ગત વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે, સરકારે આ મામલાને ગંભીરતાથી લઈને વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.
શું છે મામલો?
મહારાષ્ટ્રના નાસિકમાં શનિવારે અન્ય ધર્મના લોકોના સમૂહે ત્ર્યંબકેશ્વર મંદિરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મંદિરના સુરક્ષાકર્મીઓની તત્પરતાના કારણે તે સફળ થયું ન હતું. જણાવી દઈએ કે મંદિર પ્રબંધન સમિતિ તરફથી નિર્દેશ છે કે, હિંદુઓ સિવાય કોઈ પણ ધર્મના લોકો મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને કરોડો લોકોનો આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.