ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ આજે મીડિયા સમક્ષ આરોપોનો જવાબ આપ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે ખેલાડીઓ વારંવાર તેમના નિવેદનો બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે FIR નોંધાઈ છે તો પછી ખેલાડીઓ ધરણા પર કેમ બેઠા છે?
દિલ્હી પોલીસે બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ગઈકાલે બે FIR નોંધી હતી. દિલ્હી પોલીસે યૌન ઉત્પીડનના મામલામાં બીજેપી નેતા વિરુદ્ધ બે FIR નોંધી હતી. સગીર ખેલાડીની ફરિયાદ પર POCSO કેસ પણ છે. જોકે FIR નોંધાયા બાદ પણ ખેલાડીઓની હડતાળ ચાલુ છે. બૃજ ભૂષણ શરણ સિંહે કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપશે. સાથે જ તેમણે આ ઘરણા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. બૃજ ભૂષણે કહ્યું કે FIR દાખલ કરવાની વાત થઈ છે. મારી પાસે અત્યારે FIRની કોપી નથી. પરંતુ FIR તો થઈ જ હશે. મને તેમાં કંઈ ખોટું દેખાતું નથી. મને દિલ્હી પોલીસ પર પૂરો વિશ્વાસ છે. મને કોઈ ફરિયાદ નથી. હું સાવ નિર્દોષ છું.
કુસ્તીબાજો પર આરોપ લગાવતા બૃજ ભૂષણે કહ્યું તેમની માંગ પણ સતત વધી રહી છે. પહેલા FIRની માંગણી કરી હતી ત્યારબાદ રાજીનામાની માંગણી કરી હતી અને તે પછી જેલમાં નાખવાની માંગણી કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે મને આ લોકસભા સાંસદનું પદ વિનેશ ફોગટની કૃપાથી નહી ચૂંટણી લડીને મળ્યું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ખેલાડીઓના ધરણા નથી. એક જ પરિવાર છે અને તેમાં એક જ અખાડો છે. તેણે સવાલ ઉઠાવ્યો કે હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાંથી ખેલાડીઓ કેમ નથી. તેમણે દાવો કર્યો હતો કે હરિયાણાના 90 ટકા ખેલાડીઓ અને પરિવાર બૃજભૂષણ સાથે છે.