વડાપ્રધાન મોદીએ બુધવારે રાજસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે નાથદ્વારામાં 5,500 કરોડ રૂ.થી વધુના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અહીં સભાને સંબોધતા અશોક ગેહલોતને પોતાના મિત્ર ગણાવ્યા હતા. તેના પહેલા અશોક ગેહલોતે કહ્યું હતું કે અમારી વચ્ચે શત્રુતા નથી, ફક્ત વિચારધારાની લડાઈ છે. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રીનાથજી અને મેવાડની આ વીર ધરા પર આગમનની મને ફરી એકવાર તક મળી. અહીં આવતા પહેલા મને ભગવાન શ્રીનાથજીના દર્શનનું સૌભાગ્ય મળ્યું. મેં શ્રીનાથજીથી આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત ભારતની સિદ્ધી માટે આશીર્વાદ માગ્યા છે.
રાજસ્થાનમાં સારા કામ થયા છે: અશોક ગેહલોત
અશોક ગેહલોતે કહ્યું કે હું પીએમ મોદીનું સ્વાગત કરું છું. મને આનંદ છે કે તે 4 નેશનલ હાઈવેનું લોકાર્પણ અને ત્રણ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા હાજર છે. આપણે બધા જાણીએ છીએ કે રાજસ્થાન દેશનું સૌથી મોટું રાજ્ય છે. પીએમ મોદીને મારો આગ્રહ છે કે જ્યારે અમે વીજળી, રોડ અને પાણી પહોંચાડીએ છીએ તો અહીં ખર્ચો અન્ય રાજ્યોની તુલનાએ વધુ આવે છે. રાજસ્થાનમાં સારા કામ થાય છે. રાજસ્થાનમાં રોડ સારા છે. પહેલા અમે ગુજરાત સાથે તુલના કરતા હતા અને મહેસૂસ કરતા હતા કે અમે પાછળ રહી ગયા છીએ પણ હવે અમે આગળ વધી રહ્યા છીએ.
ગેહલોતે રાજસ્થાનમાં સુશાસન પર ખુશી વ્યક્ત કરી
ગેહલોતે કહ્યું કે મને એમ કહેતા ખુશી થાય છે કે અમારી સરકારના સુશાસનને લીધે રાજસ્થાન આર્થિક વિકાસ મામલે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. અમારા રાજ્યની લંબિત માગોને લઈને હું પીએમ મોદીને પત્ર લખતો રહું છું અને લખતો રહીશ. ગેહલોતે કહ્યું કે એક મંચ પર બધા બેઠા છીએ. આવા અવસર ખૂબ જ ઓછા આવે છે. લોકતંત્રમાં શત્રુતા નથી હોતી, વિચારધારાની લડાઈ હોય છે. સૌને અધિકાર છે તેમની વાત રજૂ કરવાનો. મારું માનવું છે કે દેશમાં આ જપરંપરા ચાલવી જોઇએ. દેશમાં તમામ ધર્મના લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો જળવાઇ રહેવો જોઈએ. આપણે એ જ ભાવના સાથે વિશ્વગુરુ બની જઈશું.