કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી જાનદાર સફળતા બાદ હાલ છેલ્લા કેટલાક સમયથી તૂટું તૂટું થતી મહાવિકાસ આઘાડીમાં ફરી નવેસરથી સંપ સધાયો છે. આજે શરદ પવારના ઘરે આઘાડીના ત્રણેય પક્ષોનો મહારાષ્ટ્રના ટોચના નેતાઓ ભેગા થયા હતા અને આગામી વિધાનસભા તથા લોકસભા ચૂંટણી સાથે મળીને લડવાની જાહેરાત કરી હતી.
તૂટું તૂટું થતી આઘાડીના નેતાઓ અજિત પવાર, સુપ્રિયા સૂળે , ઉદ્ધવ ઠાકરે , નાના પટોળે શરદ પવારના ઘરે મળ્યા અને એકતા જાળવવાની જાહેરાત કરી.
શરદ પવારના સિલ્વર ઓકના નિવાસસ્થાને શરદ પવારના વડપણ હેઠળ સુપ્રિયા સૂળે, અજિત પવાર, જયંત પાટિલ ઉપરાંત ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, કોંગ્રેસના નાના પટોળે સહિતના નેતાઓ ભેગા થયા હતા. તેમણે કર્ણાટક ચૂંટણીના રાજકીય સૂચીતાર્થો વિશે ચર્ચા કરી હતી.
બેઠક બાદ મીડિયા સંવાદમાં જયંત પાટીલે જણાવ્યું હતું કે આઘાડીએ આગામી વિધાનસભા અન ેલોકસભા ચૂંટણી સાથે રહીને લડવાનો જ નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં ત્રણેય પક્ષો સાથે મળીને સીટ શેરિંગ ફોર્મ્યૂલા નક્કી કરી દેશે.
જયંત પાટીલે કહ્યું હતું કે આઘાડીના નેતાઓએ વધુ કેટલાક નાના પક્ષોને પણ આઘાડીમાં જોડવા અને આગામી લોકસભા તથા વિધાનસભા ચૂંટણીમાં સંયુક્ત લડત આપવાનું નક્કી કર્યું છે.
આ બેઠકમાં હાલની ઉનાળાની ગરમી ઓસરી જાય તે પછી વ્રજમૂઠ તરીકે ઓળખાવાતી સંયુક્ત સભાઓ ફરીથી શરુ કરવાનું પણ નક્કી કરાયું છે.
ઉલ્લેખનીય છે કે હજુ થોડા દિવસો પહેલાં આ આઘાડી તૂટું તૂટું હાલતમાં હતી. ખુદ શરદ પવારે જાહેર કર્યું હતું કે આઘાડી આજે અસ્તિત્વમાં છે પરંતુ આવતીકાલની તેમને ખબર નથી. તેમની આત્મકથામાં ઉદ્ધવ ઠાકરે અપરિપકવ રાજકારણી હોવા વિશેનાં ઉલ્લેખોથી શિવસેના-યુબીટી પણ નારાજ થઈ હતી. એનસીપી તથા શિવસેના-યુબીટીના નેતાઓ વચ્ચ વાગ્યુદ્ધ પણ છેડાયું હતું. બીજી તરફ કોંગ્રેસ એન શિવસેના-યુબીટી વચ્ચે પણ અણબનાવની હારમાળા સર્જાઈ હતી. આ બધા પરિબળો વચ્ચે અજિત પવાર એનસીપીમાં ભંગાણ સર્જીને ભાજપ સાથે જોડાઈ રહ્યાની અફવાઓ પણ પ્રસરી હતી. છેવટે શરદ પવારે એનસીપી પ્રમુખપદેથી રાજીનામાંનો ખેલ રચી અજિત પવારના ઈરાદાઓ પર પાણી ફેરવ્યું હતું.
સુપ્રીમ કોર્ટ દ્વારા એકનાથ શિંદે સરકારને જીવતદાન મળતાં હવે ભાજપ તથા શિવસેના ઉદ્ધવ જૂથ તથા એનસીપીમાં તોડફોડ કરાવી શકે તેવી આશંકા છે. તેેના કારણે પણ આઘાડીએ હાલ એકતાનો ડોળ જાળવી રાખવો પડે તેવી હાલત છે.
હવે કર્ણાટકમાં કોંગ્રેસને ૧૩૫ બેઠકો સાથે શાનદાર જીત મળતાં દેશભરના વિપક્ષી નેતાઓને ભાજપને હરાવવાનું અશક્ય નથી તેવી આશા જાગી છે. મહારાષ્ટ્રમાં આગામી લોકસભા ચૂંટણી પછી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જોકે, તે પહેલાં મુંબઈ મહાનગર પાલિકા સહિત પાલિકાઓની ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે તેમ છે. કર્ણાટકના પરિણામો બાદ આઘાડીમાં તોફાન હાલ પૂરતું તો શમી ગયું છે તેવું ચિત્ર સર્જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.